17 દિવસ પહેલા થયેલ ચોરીના બનાવની હવે ફરિયાદ નોંધાવતા આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા મોરબી : મોરબીના લાલપર-રફાળેશ્વર પાસે બે દુકાનો અને એક કારખાનામાં તસ્કરો ત્રાટકીને રૂ. ૩૪,૨૪૦ના મુદામાલની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જો કે ૩ મેના રોજ બનેલા આ ચોરીના બનાવની હવે ફરિયાદ નોંધાવતા આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં રહેતા અને લેથકામનો ધંધો કરતા બિપીનભાઇ નરભેરામભાઇ દેત્રોજા (ઉ.વ. ૩૧) એ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૩ મેના રોજ મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ સામે, ત્રિમુર્તિ ચેમ્બરમાં, શ્યામ એન્જીનીયરીંગ નામની દુકાનની સામે તસ્કરો ત્રાટકયા હતા અને ફરીયાદીએ પોતાની દુકાનની બહાર રાખેલ પેડેશન બનાવવા માટેના નાના-મોટા લોખંડના પાઇપ નંગ-૦૪ આશરે ૪૮૦ કિલો ગ્રામ વજનના કિં.રૂ.૧૮,૨૪૦ તથા સાહેદ દેવેન્દ્રભાઇ અમરશીભાઇ કાલરીયાની લાલપર ગામ પાસે, ઇન્કમટેક્ષની ઓફીસની બાજુમાં શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ નામની કન્વર બેલ્ટ નામની દુકાન બહાર રાખેલ લોખંડના કન્વેનર ડ્રમ નંગ ૨ આશરે ૧૩૦ કિ.ગ્રા વજનના કિં.રૂ.૧૦,૦૦૦ તેમજ સાહેદ સંજયભાઇ રામચંદ્રભાઇ બોરાએ પોતાના રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની કંપાઉન્ડની દિવાલ બહાર રાખેલ લોખંડનો આશરે ૧૪૦ કિ.ગ્રા.નો ફેબ્રિકેશનનો સેટ-૦૧ કિં.રૂ.૬,૦૦૦ નો મળી કુલ રૂ.૩૪,૨૪૦ ના મત્તાની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.