મોરબીમાં મેડિકલ કોલેજ ત્વરિત શરૂ થાય એ માટેના પ્રયાસો શરૂ કરતાં મેરજા મેડિકલ કોલેજ માટે નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી બે સ્થળોએ કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવા સર્વે કરતી આરોગ્ય ટિમ મોરબી: મોરબીને ફાળવાયેલી મેડિકલ કોલેજ હજુ હવામાં લટકે છે ત્યારે મેડિકલ કોલેજનું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી અસ્થાયી રીતે ગિબ્સન મિડલ સ્કૂલ અથવા એલ.ઇ. કોલેજમાં 100 બેઠકોની વ્યવસ્થા સાથે મેડિકલ કોલેજ શરૂ કરવાની જરૂરી શક્યતાઓ વિશે આજે આરોગ્યની ટિમ સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉક્ત બન્ને સ્થળોની વિઝીટ કરી હતી સંભવતઃ આગામી સત્રથી મેડિકલ કોલેજ શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. મોરબીને મેડિકલ કોલેજની જરૂરિયાતને ધ્યાને લઈને 50 વીઘા જેટલી જમીનની ફાળવણી સાથે કોલેજને કાગળ ઉપર મંજૂરી મળી ચુકી છે. જો કે, મેડિકલ કોલેજનું બિલ્ડીંગ અને અન્ય માળખાગત તથા મેડિકલ સુવિધાઓ ઉપલબદ્ધ કરાવવામાં હજુ ઘણો સમય લાગી જાય એવી શક્યતા હોય ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આવતા સત્રથી જ કોલેજ શરૂ કરવા માટે અન્યત્ર નજર દોડાવી હતી. આ માટે મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલ અને એલ.ઇ. કોલેજમાં કામચલાઉ 100 બેઠકની મેડિકલ કોલેજ શરૂ કરવાની શકયતા તપાસવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટિમે આ સંદર્ભ ચકાસવા માટે મોરબીની મુલાકાત લીધી હતી. આ ટિમ સાથે ધારાસભ્ય મેરજાએ ઉપસ્થિત રહી તમામ શક્યતાઓ ઉપર વિચાર વિમર્શ કર્યો હતો. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમના વડા ડૉ. અનિલસિંઘ સાથે મેરજાએ તમામ શક્યતાઓ ચકાસી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, કોલેજના સત્તાવાળા, જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેકટર, જનરલ હોસ્પિટલના સબંધિત તબીબો, આરોગ્ય વિભાગના પ્રોજેકટ ઇમ્પ્લિમેશન યુનિટના અધિકારીઓ સહિતના લોકો સાથે બ્રિજેશ મેરજાએ આવનારા સત્રથી જ એટલે કે જાન્યુઆરી કે માર્ચ મહીનામાં જ 100 સીટ માટે કોલેજ શરૂ કરી દેવાની સંભાવના અંગે પરામર્શ કરી આ અંગે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.