કોરોના મહામારીથી બચવા ઈશ્વરનું શરણું : પ્રાણપ્રતિષ્ઠા બાદ મંદિર ખુલ્લું મુકાશે કોયમ્બતૂર, તા. ૨૦ : કોરોના પ્રકોપથી બચવા લોકો અવનવા નુસખા કરી ઔષધિય પ્રયોગો કરી રહ્યા છે ત્યારે શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા તમિલનાડુના કોયમ્બતૂર ઈરૂગુરમાં કમાચીપુરી આદિનામ મંદિરે કોરોના દેવીની મૂર્તિ બનાવી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કર્યો છે. મંદિરના મેનેજમેન્ટના મતે કોરોના દેવી લોકોને કોરોના સંક્ર્મણથી બચાવશે. કોયમ્બતૂર આદિનામ મંદિર દ્વારા આ અગાઉ પ્લેગ જેવી બીમારીઓથી બચવા માટે દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. લોકોને રોગથી બચવા માટેની આ પરંપરા રહી છે. રાજયમાં પહેલા પણ પ્લેગ મારિયામ્ન અને કેટલીક અન્ય દેવીઓની મૂર્તિઓ બની છે. આ મૂર્તિઓ વિશે લોકોનું માનવું છે કે તેનાથી પ્લેગ જેવા રોગથી લોકોનો બચાવ થયો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. મંદિર સંચાલકોએ વધુમાં જાહેર કર્યું છે કે, કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન સંક્રમણથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે એવામાં ગ્રેનાઇટથી બનેલી કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને લઈને વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવશે. ૪૮ દિવસના મહાયજ્ઞ બાદ લોકો મંદિરમા કોરોના દેવીના દર્શન કરી કરશે.