મોરબીમાં વાવાઝોડાની તીવ્ર અસર નહિ વર્તાઈ : નવલખી બંદરે હજુ 8 નંબર નું સિગ્નલ મોરબી : અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ''તાઉ-તે'' દીવ નજીક લેન્ડફોલ થયા બાદ ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં તબાહી માચાવવાનું શરૂ કરતાં અનેક વૃક્ષ અને વિજપોલ ધરાશયી થયા છે ત્યારે આજે મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યાના સમયે જોરદાર પવન ફૂંકવાનું શરૂ થયું છે.સાથે જ વરસાદનું પણ આગમન થયું છે. આ લખાય છે ત્યારે રાજકોટમાં વીજ પુરવઠો કપાયો છે. એ જ રીતે મોરબીમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની ગતિ હજુ તીવ્ર નથી. વાવાઝોડું તાઉ-તેની મોરબી ઉપર અસર પડે તેવી શકયતા ખુબ જ ઓછી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી જિલ્લા કલેકટર કચેરી કન્ટ્રોલરૂમ, ફાયર બ્રિગેડ અને નવલખી પોર્ટ કન્ટ્રોલ રૂમમાંથી સતાવાર રીતે જાણવા મળ્યા મુજબ મંગળવારે વહેલી સવારે 4.30 વાગ્યા સુધીમાં હજુ વૃક્ષ ધરાશયી થવાની કે અન્ય કોઈ જ ફરિયાદ મળી નથી અને નવલખી બંદરે ગઈકાલે લગાવાયેલ 8 નંબરનું સિગ્નલ યથાવત છે તે જોતા પવનની ગતિમાં કોઈ મોટો ફેરફાર ન હોવાનું મનાઇ રહ્યું છે.