મોરબી : આવનારા બે દિવસો દરમ્યાન સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાનાર વાવાઝોડાને લઈને તંત્ર સાબદુ બન્યું છે ત્યારે ઓમનગર ગ્રામપંચાયતે પણ ગ્રામજનો માટે તકેદારીના ક્યાં ક્યાં પગલાં ભરવા એ અંગે સૂચના જાહેર કરી છે. ઓમનગર - ખારચિયા ગ્રામપંચાયતે આવનારા સંભવિત વાવાઝોડા સામે રક્ષણ મેળવવા તકેદારીના પગલાં તરીકે ગ્રામજનો માટે સૂચનાઓ જાહેર કરી છે. જેમાં જણાવ્યાનુસાર ખાસ કામ વગર ઘરની બહાર ન નીકળવું. સમાચાર અને માહિતીથી સતત અપડેટ થતા રહેવું. કાચા મકાનો, ઝુંપડીમાં રહેતા કે ખેતરોમાં ઓરડીઓમાં રહેતા નાગરિકોએ સલામત સ્થળે જતા રહેવું. જ્યાં કોરોનાની ગાઈડલાઇન્સ જેમકે, માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. અફવા ફેલાવવી નહિ અને સત્તાવાર માહિતીને જ અનુસરવું. પશુઓને સલામત સ્થળે ખસેડી તેનું ધ્યાન રાખવું. ખેતરોમાં કામ કરતા ખેત શ્રમિકોને સલામત સ્થળે ખસેડી લેવા. બીમાર, વૃદ્ધો અને બાળકો તથા મહિલાઓને એકલા ન રાખવા તથા તેમની જરૂરી ચીજ વસ્તુઓ અને દવાઓ હાથવગા રાખવા. ઉપરોક્ત સુચનાઓનું પાલન કરવું તથા કુદરતી આફત સામે રક્ષણ મેળવવું એવું બન્ને ગ્રામપંચાયતની એક સયુંકત યાદીમાં જણાવાયું છે.