મોરબી : ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે મોડી સાંજે 08:30 કલાકે તે દક્ષિણપૂર્વ દીવથી 35 કિ.મી. દૂર સ્થિત છે. ''તાઉ તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડાનો આઉટર ક્લાઉડ (બાહ્યાવર્તી ભારે વરસાદી વાદળા) સૌરાષ્ટ્ર ક્ષેત્ર ઉપર ઝળુંબી રહ્યા છે અને આ વાવાઝોડું આગામી ત્રણ કલાકમાં ગમે ત્યારે જમીનને સ્પર્શે તેવી શક્યતાઓ છે. આ દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે જે ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે.