પાણીનો બોર છે પણ મોટર નથી : લોકો કેનાલમાંથી પાણી ભરવા મજબુર હળવદ : ગુજરાતમાં ટેન્ડર યુગ કે બેડા યુગ ભૂતકાળ બની ગયો હોવાનું આજના નેતાઓ સ્ટેજ પરથી મોટા અવાજે બરાડા પાડી પાડીને કહેતા હોય છે પરંતુ આજે પણ ઘણા એવા ગામો છે કે જ્યાં દર ઉનાળે પાણીની સમસ્યા વિકટ બનતી હોય છે. ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામે છેલ્લા ત્રણ મહિનાથી પાણી વિતરણમાં ભારે ધાંધિયા જોવા મળી રહ્યા છે. જેના કારણે ગ્રામજનો વાસણો લઈ નર્મદા કેનાલ સુધી પાણી ભરવા જવા મજબુર બની રહ્યા છે. હળવદ તાલુકાના મયુરનગર ગામને છેલ્લા ત્રણ મહિનાથી પાણી આપવામાં આવતું ન હોવાને કારણે લોકો કોરોનાની મહામારી સામે લડે કે ભર ઉનાળે પાણીની સમસ્યા સામે લડે એ એક મોટો પ્રશ્ન બની ગયો છે? ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામને કાંઠે બોર તો બનાવવામાં આવ્યો છે પરંતુ મોટર નાખવામાં નથી આવી. અને જ્યાં મોટર અને બોર બંને છે ત્યાં પાણી નથી આવતું. તેમજ પહેલા જુથ યોજનામાંથી નર્મદાનું પાણી આપવામાં આવતું હતું. તે પાણી હાલ આપવામાં નથી આવતું. જેને કારણે ગ્રામજનો નર્મદા કેનાલે વાસણો લઈ પાણી ભરવા જવા મજબુર છે. જેથી, મયુરનગરમાં વહેલી તકે પાણી આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મયુરનગરમાં પાણી આપવા ધારાસભ્યએ પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો મયુરનગરમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આપવામાં આવતું હોવાને કારણે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખી જણાવ્યું છે કે મયુરનગર ગામે પીવાનું પાણી છેલ્લા ત્રણ મહિનાથી આપવામાં આવતું નથી. જેની ગ્રામજનો તરફથી રજૂઆત કરવામાં આવી છે. જુથ યોજનામાંથી પાણી આપવામાં આવતું હતું. તે પાણીના કર્મચારીઓ દ્વારા વ્યાપાર કરતા હોય તેમજ મોરબી પાણી પુરવઠા વિભાગમાં અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઇ ઉકેલ આવતો નથી. અને અધિકારીઓ પણ એકબીજા વિભાગોની જવાબદારી નિભાવતા ન હોય. જે પાણીના સાધનો ઇલેક્ટ્રિક મોટર વગેરે જરૂર કરતાં ઘણી નાની આપવામાં આવે છે. તેમજ મયુરનગર ગામમાં પાંચ હજાર જેટલી વસ્તી છે. પાણી વગર ગ્રામજનો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો વહેલી તકે ગામલોકોને પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.