આવતીકાલે મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ વાવાઝોડું નવલખી બંદર પર ટકરાવવાની શકયતા મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ ઘસી રહ્યું છે ત્યારે દરિયા કિનારાઓ પર અલગ અલગ પ્રકારના સિગ્નલો લગાવીને લોકોને વાવાઝોડાની તીવ્રતા અંગે સાવધાન કરાઈ રહ્યા છે. એ અનુસંધાને મોરબી જિલ્લાના નવલખી બંદર પર આજે 8 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે. નવલખી પોર્ટના કેપ્ટન કુલદીપસિંહના જણાવ્યાનુસાર નવલખી પોર્ટ પર 8 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જે સંભવિત વાવાઝોડાની ભયાવહકતા સૂચવે છે. આ સિગ્નલ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે ભારે જોરવાળા તોફાની પવન ફૂંકાવવાની સંભાવના હોય છે. 1થી 11 નંબરના સિગ્નલો વાવાઝોડાની અલગ અલગ તીવ્રતા દર્શાવે છે. જેમાં જેમ જેમ ભયસુચક સિગ્નલોનો આંક ઊંચો તેમ તેની તીવ્રતા વધુ હોય છે. સિગ્નલોના નંબરને આધારે સાવધાનીના કેવા કેવા પગલાં લેવા એ નક્કી થતું હોય છે. નવલખીના દરિયામાં સંભવિત વાવાઝોડું આજે સોમવારે રાત્રે પ્રવેશ કરશે અને મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ નવલખી પોર્ટ પર લેન્ડફોલ કરે એવી સંભાવના પોર્ટના કેપ્ટન કુલદીપસિંહે વ્યક્ત કરી છે.