દેશના ક્રાંતિકારી સુખદેવ થાપરનો જન્મ 1907માં 15 મેના દિવસે થયો હતો. તેઓએ દેશની આઝાદી અપાવવા માટે ક્રાંતિકારી તરીકે અમૂલ્ય ફાળો આપ્યો હતો. ભગતસિંહ સાથે અન્ય બે ક્રાંતિવીરોને ફાંસી અપાઈ હતી. તે પૈકી એક સુખદેવ થાપર પણ હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોસીએટ્સના અગ્રણી સભ્ય પણ રહી ચુક્યા હતા. લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી જેના કારણે ઇજાઓ પામવાથી તેમનું મૃત્યુ થયું હતું. લાલા લજપતરાયના નિધનનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સ (J.P. Saunders) ની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઔતિહાસિક કેસમાં અંગ્રેજો દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ, 1931નાં રોજ પંજાબના હુસૈનીવાલામાં ફાંસી આપવામાં આવી હતી. આ વીર ક્રાંતિકારીઓની યાદમાં દર વર્ષે 23 માર્ચને બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આમ, ભારત માતાના વીર સપૂત સુખદેવ થાપરએ બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાંતિકારી ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી અન્ય દેશભક્તોને ક્રાંતિકારી ચળવળમાં જોડાવા પ્રેરણા આપી હતી.