અખાત્રીજના દિવસે વણજોયું મુહૂર્ત : હિન્દૂ પુરાણોમાં અખાત્રીજનું અનેરું માહાત્મ્ય આજે અખાત્રીજ એટલે કે અક્ષયતૃતીયા. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ એટલે અક્ષયતૃતીયા. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અખાત્રીજને 'વરસનો વચલો દિવસ' પણ કહેવાય છે. હિન્દૂ ધર્મના મુખ્ય પર્વમાં અક્ષય તૃતીયાનો સમાવેશ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર અક્ષયનો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય થતો નથી, જે ક્યારેય પૂર્ણ ન થાય તેવું. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેનું પુણ્ય અક્ષય મળે છે. ત્રેતા યુગનો આરંભ અક્ષય તૃતીયાના દિવસે થયો હોવાની માન્યતા છે. આ ઉપરાંત, અખાત્રીજનાં દિવસે માતા ગંગાએ નદીરૂપે ધરતી પર અવતરણ કર્યું છે. મહર્ષિ વેદવ્યાસએ શ્રીગણેશજીને કલમ આપીને મહાભારતનાં મહાકાવ્યને લખવાનો પ્રારંભ અક્ષય તૃતીયાના શુભ દિવસે કર્યો હતો. તેમજ દ્વારકાધીશ શ્રીકૃષ્ણે સુદામાના પૌઆ આરોગી સુદામાની ગરીબી દૂર કરી તેને અમીર બનાવ્યા હોવનાનું મનાય છે. અક્ષય તૃતીયા અન્ન અને ભોજનના દેવી માતા અન્નપૂર્ણાનો પ્રાગટય દિન પણ માનવામાં આવે છે. અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત વર્ષમાં 4 વણજોયા મુહૂર્ત હોય છે. જેમાંથી એક મુહૂર્ત અખાત્રીજ છે. અક્ષય તૃતીયા ઉપરાંત દેવઊઠની એકાદશી, વસંત પંચમી અને ભડલી નોમને પણ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસ સોનુ ખરીદવા માટે શુભ મનાય છે. અક્ષય તૃતીયાના મંગલકારી દિવસે કોઈપણ કાર્ય-સાહસ શરૂ કરવામાં આવે તો તે સતત વૃદ્ધિ પામતું રહે અને સમૃદ્ધિ લાવે તેવી માન્યતા છે. પરશુરામ જયંતિ કે ચિરંજીવી તિથિ પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર પરશુરામના રૂપમાં છઠ્ઠી વાર અવતાર લીધેલો હતો. આ દિવસે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય તેવા ભૃગુવંશી પરશુરામનો જન્મ થયો હતો. કળિયુગમાં વર્તમાનમાં પણ એવા 8 ચિરંજીવ દેવતાઓ છે, જેઓ જીવિત છે. આ 8 ચિરંજીવીઓમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનો પણ સમાવેશ થાય છે. આથી, આ તિથિને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. સ્કંદપુરાણમાં અને ભવિષ્ય પુરાણ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે માતા રેણુકાના ગર્ભથી ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપમાં જન્મ લીધો હતો. એક કથા પ્રમાણે પરશુરામની માતા અને વિશ્વામિત્રની માતાને પૂજન પછી ફળ આપતી વખતે ઋષિએ ફળ બદલી નાખેલું એટલા માટે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં સ્વભાવથી ક્ષત્રિય છે. અને ક્ષત્રિય પુત્ર હોવા છતાં વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. પુરાણોમાં ઉલ્લેખ છે કે સીતાના સ્વયંવર વખતે ભગવાન પરશુરામ ધનુષ-બાણ ભગવાન શ્રીરામને સમર્પિત કરીને, સંન્યાસીનું જીવન વિતાવવા ચાલ્યા ગયા હતા. ભગવાન શિવના પરમભક્ત પરશુકામ ન્યાયના દેવતા છે. કહેવાય છે કે તેમણે 21 વાર આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી. તેમના ગુસ્સાથી ભગવાન ગણેશજી પણ બચી શક્યાં નહોતાં. વર્ષી તપનાં પારણાનો દિવસ અક્ષય તૃતીયાના દિવસે વર્ષી તપનાં પારણા કરવામાં આવે છે. જૈન ધર્મ અનુસાર આદિનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કર્યા પછી 13 માસ અને 10 દિવસ સુધી અખંડ તપની આરાધના કરી તેની સ્મૃતિમાં આજપર્યંત વર્ષી તપની આરાધના કરવામાં આવે છે. આ તપ સૌથી જૂનું અને મોટામાં મોટું તપ છે. જૈન સમાજનાં આરાધકો અત્યંત શ્રદ્ધાથી આ તપની આરાધના કરે છે અને શેરડીના રસથી પારણું કરે છે. જે જૈન દેરાસરોમાં આદિનાથ પ્રભુની સ્થાપના થઇ હશે ત્યાં આજે શેરડીનાં રસનો પ્રક્ષાલ કરવામાં આવશે.