મદદનીશ કલેકટર હળવદના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તાલુકાના અધિકારીઓ રહ્યા હાજર હળવદ : તૌકતે વાવાઝોડાની સંભાવના વચ્ચે હળવદ મામલતદાર કચેરી ખાતે મદદનીશ કલેકટરના અધ્યક્ષ સ્થાને તાલુકાના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસરના ભાગરૂપે કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે. સાથે જ સલામતીની કામગીરી સમયે કોવિડ પ્રોટોકોલનું કડકપણે પાલન કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ જો વાવાઝોડાની અસર જણાય તો આશ્રય સ્થાન પણ નક્કી કરવામાં આવ્યા હતા. અરબી સમુદ્રમાં ઉદભવેલા હવાના હળવા દબાણને પગલે સંભવિત 'તૌકતે' વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલા રાજ્યોના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડાના ખતરાને પગલે અગમચેતીરૂપે હળવદમાં મદદનીશ કલેકટરના અધ્યક્ષસ્થાને તાલુકાના અધિકારીઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને 14 થી 20 મે સુધી હેડક્વાર્ટર નહીં છોડવા સૂચનાઓ અપાઈ છે. સાથે હળવદ અડીને આવેલા રણમા મજૂરીકામ કરતા અગરિયાઓને પાંચ દિવસ પરત બોલાવી લેવા પણ સોલ્ટ એસોસિએશનના પ્રમુખને જણાવાયું છે. આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંઘ, તાલુકા વિકાસ અધિકારી એ.જે.રાવલ, નાયબ મામલતદાર સી.જે.આચાર્ય, ટીપીઓ.એચ.વી.ભટ્ટ, સીડીપીઓ મમતાબેન રાવલ, પીજીવીસીએલના અધિકારી.એમ.પી.મહેતા, જે.ડી.સોલાણી, પાણી પુરવઠાના આર.ડી ભાડજા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી, હળવદ સોલ્ટ એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.