મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના મેઈન ગેઇટ સામેના રોડ ઉપર ઘણા સમયથી મસમોટો ખાડો પડી ગયો છે. આ ખાડો જોમખી હોવાથી અકસ્માતનું જોખમ ઉભું થયું છે. જેથી સંબધિત તંત્ર વહેલાસર આ ખાડાનું યોગ્ય રીપેરીંગ કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. મોરબીની સિવિલ હોસ્પિટલના મેઈન ગેઇટની સામેના મુખ્ય રોડ ઉપર ખાડો પડી જવાથી અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવી પડે છે. આ ખાડામાં અવારનવાર વાહનો ખાબકતા હોવાથી વાહન ચાલકોને નાની મોટી ઇજા થાય છે. ખાસ કરીને દર્દીઓને લઈને આવતી 108 એમ્બ્યુલન્સ અહીંથી જ હોસ્પિટલમાં પ્રવેશે છે. હોસ્પિટલના ગેઇટ સામે રોડ ઉપર મસમોટો ખાડો હોય તેને ઓળગવા જતા અકસ્માતનો ભય રહે છે. એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી દર્દીઓ હોય ત્યારે કપરી હાલત થઈ જાય છે. આથી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને સંબધિત તંત્ર વ્હેલીતકે આ ખાડો રીપેર કરે તે જરૂરી છે.