સંગીત ક્ષેત્રે સંકળાયેલા રામ યુવા સેનાના યુવાનો યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં ખડેપગે રહીને દર્દીઓની સેવા કરે છે મોરબી : મોરબીમાં સંગીતની સાધના કરતા કલાકારોના મનમાં હાલની કોવિડની ભયંકર પરિસ્થિતિને લઈને સંવેદના જાગૃત થઈ હતી. આથી, સંગીત ક્ષેત્રે સંકળાયેલા શ્રી રામ યુવા સેનાના યુવાનો પોતાની સાધના ત્યાગીને કોવિડના દર્દીઓની સેવા કરવા માટે પોતાની જાતની સમર્પિત કરી દીધી છે. છેલ્લા એક મહીનાથી આ યુવાનો સતત ખડેપગે રહીને યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. મોરબીમાં સંગીતની કલા ક્ષેત્રે સંકળાયેલા શ્રી રામ યુવા સેનાના કલાકાર યુવાનો એવા ધવલ પરમાર, અંકિત પરમાર, નિખીલ દફ્તરી, ધીમલગિરી ગોસાઈ, ચિરાગ પરમાર, કરન પરમાર, જીતુ ગઢવી, પાર્થ ગોંડલિયા, નિલદીપ ચાવડા અને રવિ ચાવડાએ હાલની કોરોના કાળમાં દર્દીઓની સેવા કરીના માનવ ધર્મ દિપાવ્યો છે. આ યુવાનો છેલ્લા એક મહિનાથી યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત રફાળેશ્વર ખાતે આવેલા સમરસતા કોવિડ કેર સેન્ટરમાં ખડેપગે રહીને દર્દીઓની સેવા ચાકરી કરી રહ્યા છે. જેમાં આ યુવાનો દર્દીઓને પ્રેમપૂર્વક જમાડવાથી માંડીને દર્દીઓને બેડ સીટ બદલવી સહિતની સેવા આપે છે અને દરરોજ સવારના 9 થી રાત્રીના 10 વાગ્યા સુધી કોરોના સેન્ટરમાં રહીને દર્દીઓની સેવા કરીને આત્મીયજન જેવી હૂંફ પુરી પાડે છે.