બે શખ્સો સામે મારામારી અને ધમકી આપવા મામલે ટંકારા પોલીસ મથકે ગુન્હો નોંધાયો ટંકારા : મિતાણા - પડધરી રોડ ઉપર એચ.પી પેટ્રોલ પંપ પાસે નેકનામ ગામના યુવાનને પાણીનો જગ પરત માંગવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિવ્યેશભાઇ કેશવજીભાઇ ચીકાણી (ઉ.વ.૩૦ ધંધો- વેપાર રહે- નેકનામ તા.ટંકારા) એ આરોપીઓ યુવરાજસિહ દિલુભા ઝાલા, હરપાલસિહ હનુભા ઝાલા (રહે-બન્ને નેકનામ તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, નેકનામ પડધરી રોડ એચ.પી પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર નેકનામ ગામે રહેતા આરોપી યુવરાજસિહ ઝાલાને ફરિયાદીએ પાણીનો જગ આપેલ તે ફરિયાદીએ પરત માગતા બન્ને આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને તા.૯ના રોજ મોબાઇલ પર ફોન કરી તુ હવે પાણીનો જગ પાછો માગીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો દીધેલ અને તા.૧૦ ના રોજ બપોરના સાડા ચારેક વાગ્યાના અરસામા ફરીયાદીને આરોપી હરપાલસિહ હનુભા ઝાલાએ લાકડી વડે તથા બીજા આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓ સામે આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪ ૫૦૬(૨),૫૦૭ ,૧૧૪ તથા જી.પી,એકટ કલમ ૩૭(૧).૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ટંકારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.એમ.કે. બ્લોચ ચલાવી રહ્યા છે.