હળવદની પતંજલિ નર્સિંગ સ્કૂલ દ્વારા કોરોના મહામારીમાં દર્દીનારાયણની સારવાર કરનાર નર્સીંગ સ્ટાફનું સન્માન કરાયું હળવદ : તા. ૧૨ મેને આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વની પ્રથમ નર્સ ફ્લોરેન્શી નાઈટએન્ગલ જે “દયાની દેવી” તરીકે ઓળખાય છે, તેના જન્મદિન નિમિતે આ દિવસ ને ઉજવવામાં આવે છે. હળવદની પતંજલિ નર્સિંગ સ્કૂલ દ્વારા કોરોના મહામારીમાં રાત-દિવસ દર્દીઓની સેવા કરતા નર્સિંગ સ્ટાફનું સન્માન કરી ઉજવણી કરવામાં આવી હતી. હળવદની પતંજલિ નર્સિંગ સ્કૂલ દ્વારા કોરોના મહામારીમાં દર્દી નારાયણની સારવાર કરનાર સિવિલ હોસ્પિટલ હળવદ, સી.એચ.સી. તથા પી.એચ.સી, સેન્ટરમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દિવસે ફ્લોરેન્શી નાઈટએન્ગલની સેવાકામ પ્રત્યેની નિષ્ઠા તેમજ એક નર્સ તરીકેના કૌશલ્ય જેવા ગુણો વાગોળીને જીવનમાં ઉતારવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે હળવદ સી.એચ.સી. સેન્ટરના ઓફિસર ડો. કૌશલભાઈ જાલરિયા, ડો. પિયુષભાઈ રાવલ, આર્યુવેદના મેડીકલ ઓફિસર ડો. જયેશભાઈ ગરધરિયા તથા તક્ષશિલા સ્કૂલ અને કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર ડો. મહેશભાઈ પટેલ અને ડો.અલ્પેશભાઈ સીણોજીયા હાજર રહી તમામ નર્સિંગ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.