ખાનગી બેંક દ્વારા ગ્રાહકના મૂળભૂત અધિકારનું હનન કરી રીતસર ઉઘાડી લૂંટથી રોષ મોરબી : મોરબીમાં આવેલી કોટક મહિન્દ્રા બેંક દ્વારા ગ્રાહકને જાણ કર્યા વગર વધારા ચાર્જીસ કાપી લેવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે ગ્રાહક દ્વારા બેંકને જાણ કરવા છતાં કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળતા અંતે ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. મોરબીના રામચોક પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકની બ્રાન્ચ દ્વારા ગ્રાહકોના મૂળભૂત હિતો ન જાળવતા હોવાની અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી છે. જેમાં છુટા પૈસા ખાતામાં જમા ન લેવા તેમજ ગ્રાહકની જાણ બહાર તેમના ખાતામાંથી અવનવા ચાર્જીસના બહાના હેઠળ રકમ કાપી લેવામાં આવે છે. જ્યારે નિયમ મુજબ બેન્ક દ્વારા આવા ચાર્જીસ કાપતા પેહલા અને ચાર્જીસ લાગશે તેની ગ્રાહકને અગાવથી જાણ કરવાની હોય છે. જે નિયમને અન્ય મોટાભાગની બેંકો દ્વારા પાલન કરવામાં આવે છે. તાજેતરમાં જ પરંતુ ગ્રાહકોને લૂંટવા બેઠેલી કોટક બેંકમાં આવા નિયમ અંગે ગ્રાહકને કોઈ જાણ કરાતી નથી. મોરબીની કોટક બેન્ક દ્વારા આવા જ એક કિસ્સામાં કરંટ ખાતામાં મહત્તમ રોકડ રકમ ઉપરની રકમ જમા કરાવવા બદલ ગ્રાહકને રકમ જમા કરાવતા પેહલા તમારી લિમિટ પુરી થઈ ગઈ છે અને હવે ચાર્જીસ લાગશે તેની જાણ કરવાના બદલે ગ્રાહકને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને બીજા મહિને વધારાની રોકડ રકમ બેંકમાં જમા કરવા બદલ તેમના ખાતામાંથી કોઈ પણ જાતની જાણ કર્યા વગર મોટી રકમ ચાર્જીસ પેટે કાપી લેવામાં આવી હતી. આ અંગે ગ્રાહક દ્વારા બેંકના જવાબદાર અધિકારીઓને રજુઆત કરવા છતાં બેન્ક તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો જેથી જાગૃત ગ્રાહક દ્વારા બેન્ક દ્વારા ગ્રાહકના મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ ગ્રાહક સુરક્ષા વિભાગમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.