રસીકરણ પ્રક્રિયા ગંભીરતાપૂર્વક કરવા આમ આદમી પાર્ટીની મુખ્યમંત્રીને રજૂઆત મોરબી : કોરોના રસીકરણને ગંભીરતાપૂર્વક સઘન અભિયાન રુપે હાથ ધરવા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા લોક જાગૃતિ માટે 'રસીકરણ જાગૃતિ અભિયાન' શરૂ કરવા બાબતે મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પરેશ પારીઆ અને જિલ્લા પ્રમુખ એ. કે. પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ તમામ નાગરીકોના રોજગાર-ધંધા પાયમાલ થયા છે અને આજે તમામ નાગરિકો વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વર્ષ-2020માં જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે આ વાયરસથી લોકોને બચાવવાની તમામ મેડીકલ સુવિધાઓ ઊભી કરવાની તક હતી પરંતુ સરકાર તાયફાઓ કરવામાં વ્યસ્ત રહી. કોરોનાની પ્રથમ વેવમાં થયેલી જાનહાની અને સરકારની અપૂરતી તૈયારીમાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નહિ તેમજ કોરોનાની બીજી વેવ પણ આવી શકે છે તેવી વૈજ્ઞાનિકો દ્વારા ચેતવણી આપ્યા પછી પણ પુરતી તૈયારી કરવાને બદલે સરકારે કોરોના પર જાણે વિજય મેળવી લીધો હોઇ એમ ઉજવણીઓ શરુ કરી અને લોકો સુધી ખોટો મેસેજ પહોંચ્યો. જેથી, લોકો પણ કોરોનાને ભુલી ગયા હતા. કોરોનાથી બચવાના એકમાત્ર ઉપાય રસીકરણ હોવા છતાં રસીકરણ બાબતે પણ સરકાર ખુબ ઉદાસીન અને બેદરકાર રહી છે. કોરોનાની ત્રીજી વેવ ન આવે તે માટે ગુજરાતના તમામ નાગરિકોનુ સંપુર્ણ રસીકરણ જરુરી છે. આથી, જલ્દીથી ગુજરાતમાં રસીનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમજ હાલની રસીકરણ પ્રક્રિયા જટીલ છે. સામાન્ય લોકો માટે રસીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું કે અપોઇન્ટમેન્ટ લેવું અઘરું છે. આ સમયે રસીકરણ પ્રક્રિયાને વધુ આયોજનબદ્ધ અને સરળ બનાવવી જોઈએ. જેવી રીતે આયોજનના અભાવે કોરોનાના દર્દીઓને બચાવવામાં સરકાર નિષ્ફળ રહી તેવી જ રીતે રસીકરણ બાબતે નિષ્ફળ ન જાય તે માટે પુરતું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. જો સરકારના અભિમાનને ઠેસ ન પહોંચતી હોઈ તો, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રસીકરણ અભિયાનમાં સરકારને મદદ કરવા માટે તૈયાર અને ઉત્સાહી છે. ગુજરાતને સંપુર્ણ કોરોનામુક્ત કરવું એ એકમાત્ર લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી ગઈકાલથી સમગ્ર ગુજરાતમાં 'રસીકરણ જાગૃતિ અભિયાન'ની શરુઆત કરી રહી છે. આ અભિયાનના માધ્યમથી રસી અંગે જનતામાં રહેલી ગેરસમજણ કે અફવાઓ દુર કરી 100% રસીકરણ કરવામાં આમ આદમી પાર્ટી મદદરૂપ થવા માંગે છે.