શક્તિ પ્લોટમાં અગાઉથી જ એક બ્રાન્ચ હોવા છતાં ત્યાં બીજી બ્રાન્ચ ખસેડવા સામે વિરોધ : વોર્ડ નં.9ના સદસ્યની પોસ્ટને રજુઆત મોરબી : મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેલી પોસ્ટ ઓફિસ બંધ કરી તે પોસ્ટ ઓફિસ શનાળામાં શરૂ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે શનાળામાં પોસ્ટ ઓફિસની એક બ્રાન્ચ અગાઉથી જ હોવા છતાં ત્યાં શક્તિનગરની પોસ્ટ ઓફિસની બીજી બ્રાન્ચ શરૂ કરવામાં આવતા જુના ખાતા ધારકોને હાલાકી પડી રહી છે. ત્યારે આ મામલે વોર્ડ નં.9ના સદસ્ય દ્વારા રજુઆત પણ કરવામાં આવી છે. વોર્ડ નં.9ના સદસ્ય જયંતીલાલ ગોવિંદભાઇ વિડજાએ પોસ્ટ માસ્તરને રજુઆતમાં જણાવ્યુ હતું કે હાલ મોરબી શહેરમાં બે જ પોસ્ટ ઓફિસ આવેલ છે. અહીં ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો હોય વસ્તીમાં પણ ઘણો જ વધારો થયેલ છે. હાલની બન્ને પોસ્ટ ઓફિસના કામ માટે ઘણો જ સમય વ્યય થાય છે. વધુમાં અહીં સિનિયર સિટીઝનોને પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે. મોરબી શહેરમાં પહેલા ત્રણ પોસ્ટ ઓફિસ આવેલ હતી. જેમાં શનાળા રોફ ઉપરની પોસ્ટ ઓફિસ બંધ કરી લોકોને મળતી સુવિધા છીનવી લેવામાં આવી છે. વધુ સુવિધા આપવાને બદલે વધુ મુશ્કેલી ઉભી થઇ રહી છે. તો નવા બસસ્ટેન્ડથી ઉમિયા સર્કલ સુધીના વિસ્તારમાં નવી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ વહેલાસર શરૂ કરવામાં આવે તો હાલની મેઈન પોસ્ટ ઓફિસે અંદાજીત 2 કિમિ જેવું અંતર કાપવાનું બચી જાય તેમ છે.