સ્થાનિક ચારેય કાઉન્સિલરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : મોરબીમાં હાલ કોરોના કહેર સામે રક્ષણ આપવા માટે વેકસીનેશન જોરશોરથી ચાલુ હોવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. પણ વેકસીનનો ડોઝ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં ન આવતા વેકસીનેશન પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. ત્યારે મોરબીના સામાકાંઠે સો-ઓરડીમાં આવેલ અર્બન સેન્ટરમાં વેકસીનનો ડોઝ પૂરતા પ્રમાણમાં ફાળવવાની માંગ સાથે સ્થાનિક ચારેય કાઉન્સિલરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. મોરબી પાલિકાના વોર્ડ નબર 4ના કાઉન્સિલરો જસવંતીબેન શિરોહિયા, ગિરિરાજસિંહ ઝાલા, મનીષાબેન સોલંકી, મનસુખભાઇ બરાસરા તથા આગેવાનો બળવંતભાઈ સનાળિયા, હરિભાઈ રાતડિયા, હાર્દિક હેરભાએ કલેક્ટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે રાજયમાં વેકસીન મૂકવા માટે તમામ જિલ્લાના હેલ્થ સેન્ટર સરકારી હોસ્પીટલમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને રેપિડ ટેસ્ટ અને RTPCR જેવી સુવિધા દરેક હેલ્થ સેન્ટરમાં જીલ્લાવાર, તાલુકાવાર, શહેર અને તમામ ગ્રામ્યમાં જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ખાસ મોરબી ખાતે આવેલ સો-ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં તમામ હેલ્થ સેન્ટર કરતાં વધુ દર્દીઓ આવે છે. કારણ કે, આજુબાજુમાં તમામ ઉદ્યોગ સિરામિક, ગ્લેજ ટાઇલ્સ, નળિયા તેમજ અનેક પ્રકારના તમામ કારખાનાઓ સામે કાંઠે આવેલા હોવાથી બહારના રાજ્યના નાગરિકો સ્થાનિક મજૂર લોકો અહીં આવતા હોવાથી બીજા બધા હેલ્થ સેન્ટર કરતાં સૌથી વધુ વેક્સિન સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરને આપવી. ઓછી વેક્સિન આવવાથી ફરજ પરના તમામ ડોક્ટર, નર્સ અને આરોગ્ય વિભાગમાં ફરજ ઉપર નોકરી કરતાં તેઓને લોકોનો રોષનો ભોગ બનવું પડે છે અને તેમની સલામતી જોખમાઈ તેવી પરિસ્થિતિ સર્જાય છે. માટે પૂરતા પ્રમાણમાં વેક્સિન આપવાની માંગ કરી છે.