ટંકારા : કોરોના મહામારીમાં સરકાર ખરા સમયે લોકોને ઓક્સિજન, રેમડેસિવિર, બેડ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં હાંફી ગઇ છે. ત્યારે ટંકારાના વતની યુવાને તેમના કોરોનાગ્રસ્ત પિતાની સારવાર માટે મંગાવેલા રેમડેસિવિર ઇન્જેક્શન ફૌજી જવાનના પિતાની સારવાર માટે અર્પણ કરી માનવતા મહેકાવી છે. બીજી તરફ આ ઇજેક્શનથી ફૌજી જવાનના પિતાની તબિયત સુધારા ઉપર આવી છે. એક તરફ લેભાગુ તત્વો નકલી રેમડેસિવિર બનાવી લોકોને વેચવાની તક જતી કરતા નથી. ત્યારે બીજી તરફ ભલાઇનું ભાથું બાંધવાવાળાની પણ કમી નથી. ટંકારાના બિપીનભાઇ નારણીયાના પિતા અમરશીભાઇને કોરોના સંક્રમણ થતાં તેમને મોરબી સિવિલમાં દાખલ કરાયા હતા અને તેમને ઓક્સિજનની જરૂર પડી હતી. જે તે વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાતાં તેમને ચાર રેમેડેસિવિર ઇજેક્શન મળ્યા હતા. આવા સમયે જ પડધરી તાલુકાના હડમતિયાના ફૌજી જવાન શૈલેષ ડાભી કે જેઓ ગોવામાં ફરજ બજાવે છે. તેમના પિતા જગાભાઇને પણ કોરોના લાગૂ પડતાં 10 દિવસથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમા ખસેડાયા છે અને તેમનું ઓક્સિજન લેવલ જે તે સમયે 60 જેટલું થઇ જતાં સૈનિકનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને રેમડેસિવિરની શોધમાં અહીં તહીં દોડાદોડી કરતો હતો. ફૌજી પુત્રને પિતાની તબિયત અંગે ગોવામાં જાણ કરાઈ હતી. પરંતુ તેમને રજા મળી ન હતી એ સંજોગોમાં સમગ્ર સ્થિતિની બિપીનભાઇને જાણ થતા તેમના પોતાના પિતા માટે લીધેલા બે રેમડેસિવિર ઇંજેક્શન કે જેની હવે તેમને જરૂર ન હોવાનું તબીબે કહેતાં એ બન્ને ઇન્જેક્શન ફાૈજી જવાનના પિતાને આપી દેવા ભલામણ કરી હતી. મોરબી સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ બીપીનભાઈની માનવતા ભરી વિનંતી માન્ય રાખી હતી અને એ બે ઇન્જેક્શન શૈલેષ ડાભીના સગાંને તાબડતોબ ટંકારા બોલાવીને આપી દીધા હતા. આ બે ઇન્જેક્શન સમયસર મળી જતાં જગાભાઇનું ઓક્સિજન લેવલ હાલમાં 80 આસપાસ હોવાનું અને તબીયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવતાં બિપીનભાઇની દરિયાદીલી ખરા અર્થમાં ફળી છે.