રાજકોટથી ફાયરની ટીમ આવે તે પહેલાં મોરબી ફાયર વિભાગે આગને બુઝાવી નાખી મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે આવેલ જીલોટ ફેકટરીમાં ગઈકાલ શનિવારે રાત્રે કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મધરાત્રે જીલોટ ફેકટરીમાં આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જીલોટ ફેકટરીમાં આગ લાગ્યાની જાણ થતાં મોરબીનો ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવના પ્રયોસો હાથ ધર્યા હતા. જો કે આગ વધુ હોવાથી રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. પણ રાજકોટથી ફાયરની ટીમ આવે તે પહેલાં મોરબી ફાયર વિભાગના હિતેશભાઈ દવે સહિતની ટીમે રાત્રીના 01:30 વાગ્યાની આસપાસ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી અને આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.