મોરબીના વેપારીની એસયુવી, મોબાઈલ જપ્તીની કાર્યવાહીને હાઇકોર્ટે ગેરકાયદે ઠેરવી મોરબી : ઈ-વે બિલમાં ક્ષતિ મામલે જી.એસ.ટી.વિભાગે મોરબીના એક વેપારીને નિવેદન માટે અમદાવાદ બોલાવી તેમીની એસયુવી કાર અને ફોન જપ્ત કરવા મામલે વેપારીએ હાઇકોર્ટમાં ન્યાય માટે ગુહાર લગાવતા હાઇકોર્ટે જીએસટી વિભાગને ફટકાર લગાવી હતી અને જપ્તી કાર્યવાહીમાં જોઇન્ટ કમિશનરથી નીચેના રેન્કના અધિકારીઓએ કરી હોવાથી આકરી ટકોર કરી અધિકારીઓનું આ વર્તન ડાકુઓ જેવું ગણાવી લૂંટ,ધાડ સાથે સરખાવી.કોર્ટે કારને મુક્ત કરવા અને સંબંધિત અધિકારીઓને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. મોરબીના રાકેશભાઈ સરવાડીયા નામના વેપારીની રજૂઆત હતી કે તેને જી.એસ.ટી.ની અમદાવાદ ઓફિસ દ્વારા સમન્સ આપવામાં આવ્યા હતા અને તેને બે દિવસ માટે ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યારબાદ રાજકોટ અને મોરબીમાં તેની કંપનીમાં રેડ કરતા પહેલાં તેના સાત મોબાઇલ ફોન અને ત્રણ ડાયરી જપ્ત કરવામાં આવી હતી. રેડ બાદ તેની કેટલીક જપ્તી કરવામાં આવી હતી. ટેક્સની બાકી રકમની તેણે ચૂકવણી કરતા તેનો ટ્રક તો છોડી દેવામાં આવ્યો હતો પરંતુ જી.એસ.ટી. વિભાગે તેને મોબાઇલ ફોન અને એસ.યુ.વી. કાર પરત ન કરતા હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ આર.એમ. છાયાની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં કોર્ટના ધ્યાને આવ્યું હતું કે રેડ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા કરવામાં આવી હતી અને આ રેન્ડ જોઇન્ટ કમિશનરથી નીચેનો રેન્ક છે. કાયદા પ્રમાણેેે જોઇન્ટ કમિશનરથી નીચેના અધિકારીને આવી રીતે જપ્તી કરવાની સત્તા નથી. જેથી કોર્ટે આ કામગીરીની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે આ કામગીરી ડાકુઓ જેવી છે અને લૂંટ,ધાડ સમાન ગણાવી સત્તા ન ધરાવતા અધિકારી રેડ અને જપ્તી કરે તો તેને અનધિકૃત પ્રવેશ, લૂંટ કે ધાડ કહેવાય. જેથી સરકારે કાર અરજદારને પરત આપવાની ખાતરી આપી હતી અને કોર્ટે અધિકારીઓને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.