સરકારી અને ખાનગી હોસ્પીટલોમા કોરોનાના દર્દીઓ સાજા-નરવા થતા પરિસ્થિતિમાં સુધારો મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં તબાહી મચાવી દેનાર કોરોના વાયરસ હવે હાંફી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા અઠવાડિયામાં કોરોના સંક્ર્મણમાં ઘટાડો આવતા ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગ ખતમ થવાની સાથે ઓક્સિજન અને સાદા બેડ ખાલી -ખાલી જોવા મળી રહ્યા છે,જિલ્લામાં ઉપલબ્ધ કુલ 1028 પૈકી 223 ઓક્સિજન અને 1028 સાદા બેડ આજની તારીખે ખાલી પડ્યા છે. એપ્રિલ માસની શરૂઆતથી મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગતિ પકડ્યા બાદ 15 એપ્રિલ સુધીમાં તો કોરોના રીતસર કાળ બનીને ત્રાટકતા મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા હોય તેવી સ્થિતિમાં કોરોના દર્દીઓ ઈલાજ માટે જામનગર, રાજકોટ, અમદાવાદને જૂનાગઢ સુધી જવું પડતું હતું અને નાના-નાના ક્લિનિકોમાં પણ દર્દીઓને સારવાર માટે જગ્યા ઉપલબ્ધ બનતી ન હતી.પરંતુ છેલ્લા અઠવાડિયામાં કોરોના સંક્ર્મણમાં ઘટાડો આવતા મોરબીમાં રાહત અનુભવાઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લાને ઓક્સીજન બેડની સમસ્યાનો સૌથી વધુ સામનો કરવો પડ્યો હતો, જો કે કોરોના હાંફી રહેતા હાલમાં મોરબી જિલ્લામાં કુલ 1028 પૈકી 223 ઓક્સિજન બેડ ખાલી છે. જયારે જિલ્લામાં 1522 સાદા બેડ પૈકી 1028 બેડ ખાલી પડયા હોય મોરબીમાં કોરોના કૂણો પડ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. મોરબી શહેરમાં સિવિલમાં 188,સદભાવના હોસ્પિટલમાં 30,ક્રિષ્ના હોસ્પિટલમાં 120 અને આયુષ હોસ્પિટલમાં 120 તેમજ જિલ્લાના જુદાજુદા તાલુકા મથકે ચાલતી હોસ્પિટલ અને કોવિડ સેન્ટરમાં કુલ 1028 ઓક્સિજન બેડ કોરોનાકાળમાં ઉપલબ્ધ બન્યા છે જેમાં આજના દિવસે 223 બેડ ખાલી છે જયારે જિલ્લામાં 1522 સાદા બેડ પૈકી 1028 બેડ ઉપલબ્ધ હોવાનું આરોગ્ય વિભાગના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.