કોરોના મહામારીમાં ભારે અછત વચ્ચે BAPS સંસ્થાએ અબુધાબીથી 44 મેટ્રિક ટન લિકવિડ ઓક્સિજન મંગાવ્યો : BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોરબીમાં ઓક્સિજન સેવા મોરબી : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોવીડ રાહત સેવાના ભાગરૂપે અબુધાબી મંદિરથી રાહત સામગ્રીનું પ્રથમ શિપમેન્ટ ગુજરાત આવી પહોંચ્યું છે. આ પ્રથમ જથ્થામાં કુલ 44 મેટ્રિક ટન ભરેલી બે ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનો સમાવેશ થાય છે. દુબઈથી તા. 1 મેના રોજ રવાના થયેલું શિપમેન્ટ તા. 6 મેના રોજ ગુજરાત આવી પહોંચ્યું છે. ગુજરાત સરકાર સાથેના સંયોજન દ્વારા નક્કી કરાયેલ હોસ્પિટલોમાં બી.એ.પી.એસ. સંસ્થાએ આ ઓક્સિજન વિના મૂલ્યે દર્દીઓની સેવામાં પહોંચાડવા આજે મોરબી સિવિલ હોસ્પિટલને આઠ મેટ્રિક ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો દર્દીઓ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. BAPS અબુધાબી સ્વામિનારાયણ મંદિર દ્વારા મોકવામાં આવેલા આ પ્રથમ શિપમેન્ટ દ્વારા ગુજરાત આવી પહોંચેલ ઓક્સિજનના પુરવઠાનું, ડીસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ–મોરબી (8 MT), ગુરુ ગોબિન્દસિંહ જનરલ હોસ્પિટલ–જામનગર (12 MT), સિવિલ હોસ્પિટલ–પાલનપુર (8 MT), GMERS હોસ્પિટલ-પાટણ (8 MT) અને યોગીજી મહારાજ હોસ્પિટલ-અમદાવાદ (4 MT) વગેરે હોસ્પિટલોમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ અભિયાનના વિશેષ ભાગરૂપે મોરબી જિલ્લાની પ્રજાને પણ મદદરૂપ થવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ૮ ટન લિકવિડ ઓક્સિજનની મદદ અપાશે. તેમજ અબુધાબીથી આવેલ લિકવિડ ઓક્સિજનને આજે તા. 8ના રોજ મોરબીમાં રાજપર રોડ પર આવેલ મારુતિ એર પ્રોડકશન સ્ટોરેજ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અધિક કલેકટર કેતનભાઈ જોષી, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હરિસ્મરણ સ્વામી અને મંગલપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ તકે સિવિલ હોસ્પિટલે સ્વામી નારાયણ સંસ્થાનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે બી.એ.પી.એસ. હિંદુ મંદિર-અબુધાબી દ્વારા ભારત મોકલાયેલ આ પ્રથમ શિપમેન્ટની પાછળ આવા હજુ વધુ શિપમેન્ટની શ્રુંખલા આવી રહી છે, જેમાં મહિને કુલ ૪૪૦ મેટ્રિક ટન લીક્વીડ ઓક્સિજનનો ખૂબ મોટો પુરવઠો પૂરો પાડવાનો લક્ષ્યાંક છે. આ જથ્થામાંથી કુલ ૧,૦૫,૦૦૦થી વધુ ઓક્સિજન સીલીન્ડરો ભરાશે. સલામતીનાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ લીક્વીડ ઓક્સિજન માઈનસ ૧૮૫ ડીગ્રી તાપમાને સલામત રીતે ભારત પહોંચાડવા માટે ખાસ પ્રકારની વેક્યુમ-ઇન્સ્યુલેટેડ ક્રાયોજેનિક ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન મુજબ સંસ્થાના સંતો-સ્વયંસેવકો અને દાતાઓ-સહયોગીઓના પુરુષાર્થથી આ સંભવિત બન્યું છે. બી.એ.પી.એસ. સંસ્થાની આ સેવા-પ્રવૃત્તિઓમાં મહેશ ટોની પટેલ (GEAP International Trading), નીલેશ વેદ (Apparel Group), દીપક મહેતા (Global Gases Group), રમેશ રામક્રિશ્નન (Trans world) વગેરેએ ૨૦૦૦ કિમી.દૂર ભારત ખાતે ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.