ખારાશવાળી જમીનમાં ઉગેલા બાવળ કાઢી અન્ય વૃક્ષો ઉગાડ્યા: મોરબી: વૃક્ષો થકી જીવન છે એ સત્ય આધુનિકતા તરફ દોટ મુકતા વિશ્વને સમજાઈ છે. પર્યાવરણવાદી સંસ્થાઓ, સરકારી તંત્ર અને અનેકોનેક ઉદ્યોગકારો આ દિશામાં જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. ત્યારે મોરબીના શનાળા ગામે ખારાશવાળી જમીનમાં ઊગી નીકળેલા બાવળના મીની જંગલને દૂર કરી ગ્રામજનોએ હરિયાળી લહેરાવી છે. આજથી બરાબર 1 વર્ષ પહેલાં એટલે કે 6 મે, 2020થી બાવળ હટાવ અભિયાનની શરૂઆત થઈ હતી. ગત વર્ષે લાગુ થયેલા લોકડાઉનના સમયગાળા દરમ્યાન સમયનો સદુપયોગ કરી ગ્રામીણોએ બાવળ દૂર કરી વધુમાં વધુ ઑક્સિજન આપતા વૃક્ષો વાવ્યા અને નિયમિત દેખભાળ કરી, સમયાંતરે આ વૃક્ષોને પાણી સાથે શ્રમશક્તિથી સીંચ્યા. આજે એક વરસ બાદ લહેરાઈ રહેલી હરિયાળી જોઈ આસપાસના સ્થાનિકો હરખાઈ રહ્યા છે. આવનારા વર્ષોમાં ઘટાટોપ બની રહેનાર આ વૃક્ષો આસપાસના વિસ્તારમાં શુદ્ધ ઓક્સિજનનો કુદરતી સ્ત્રોત બની રહેશે. સાથોસાથ વતાવરણમાં રહેલી ગરમી અને અશુદ્ધિઓનું પણ શોષણ કરશે. સ્થાનિકોએ મોરબીની આસપાસના અન્ય વિસ્તારોનું નિરીક્ષણ કરી એક તારણ કાઢ્યું છે કે, મોરબીની આજુબાજુના વિસ્તારોમાં કોનોકાફૅસ પ્રજાતીના વૃક્ષોનું વધુ રોપણ થયું છે. આ પ્રજાતીનાં વૃક્ષો ખૂબ ઝડપથી વિકાસ પામે છે. ઓછા પાણીએ ઉછરી જાય છે. જો કે, આ વૃક્ષોની પ્રકૃતિ પ્રમાણે તે વાતાવરણમાં 24 કલાક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરે છે અને ઓક્સિજનનું શોષણ કરે છે. આથી આવા વૃક્ષો ન વાવવા ગ્રામીણોએ લોકોને અપીલ કરી છે.