મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયાએ વડાપ્રધાનને રજુઆત કરી સાયણિક ખાતરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી મોરબી : હાલ કોરોનાના કપરા કાળમાં માર્કેટિંગ યાર્ડ બંધ હોવાથી જણસીઓ ન વેંચતા ખેડૂતો પહેલેથી જ પરેશાન છે. ત્યારે આવા કપરા કાળમાં રાસાયણિક ખાતરમાં જંગી ભાવ વધારો થવાથી ખેડૂતોને મુશ્કેલીનો પાર રહ્યો નથી. કારણ કે, આગામી સમયમાં ચોમાસાની સિઝન શરૂ થતી હોય ત્યારે રાસાયણિક ખાતરમાં થયેલા જંગી ભાવ વધારાથી ખેડૂતોને આર્થિક બોજ સહન કરવો પડશે. મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયાએ વડાપ્રધાનને રજુઆત કરી સાયણિક ખાતરમાં થયેલો ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી છે. મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયાએ વડાપ્રધાનને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં રસાયણિક ખાતરો જેવાં કે, DAP, NPK, ASPમાં જંગી ભાવ વધારો થયો છે. જેમાં DAPમાં એક થેલીએ રૂા.૭૦૦ જેટલી માતબર રકમનો ભાવ વધારો થયો છે. જે ખાતરની એક થેલી રૂા.૧૨૦૦માં મળતી હતી. તે આજે રૂા.૧૯૦૦ના ભાવે એક થેલી ખાતર મળે છે. એક થેલી દીઠ આટલો ભાવ વધારો અસહય છે.એક માસ બાદ વરસાદની સીઝન આવી રહી છે. ત્યારે ખેડૂતોને ખાતરની પુષ્કળ જરૂરીયાત પડશે. આ ભાવ વધારાના કારણે ખેડૂતો પાયમાલ થશે. વધુમાં, જણાવ્યું હતું કે, રવિપાકની સીઝનના પાકો જેવો કે, ચણા, ઘઉં, રાયડો તેમજ જીરૂ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે તમામ યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાના માલનું વેચાણ કરી શકતા નથી. ત્યારે ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ખાતરમાં ભાવવધારો આવતા બેવડો આર્થિક માર પડશે. તો ખેડૂતો વતી તેઓએ સાયણિક ખાતરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે.