મુંબઈના શખ્સના ઘરેથી મોરબી પોલીસે મુદામાલ કબજે કર્યો મોરબી : નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં મોરબી પોલીસની ત્રણ ટીમો ધનિષ્ઠ તપાસ ચલાવી રહી છે.જેમાં રિમાન્ડ દરમિયાન મુંબઈના આરોપીએ નકલી રેમડેસીવીર વેચીને તેના રોકડા રૂપિયા પોતાના ઘરમાં છુપાવેલા હોવાની કબૂલાત આપતા મોરબી પોલીસની ટીમ આરોપી પુનિત શાહને લઈને મુંબઈ તેના ઘરે પહોંચી હતી અને પોલીસે તેના ઘરેથી ડુપ્લીકેટ રેમડેસીવીર વેચાણના વધુ રૂ.11,50,000 રોકડાં કબ્જે કર્યા હતા. સાથો સાથ આ કૌભાંડમાં ઝડપાયેલા વધુ પાંચ આરોપીઓને અદાલતે આજે છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. મોરબી પોલીસે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના જીવલેણ કૌભાંડનો પર્દાફાશ કરીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચી નકલી ઇન્જેક્શનના સ્ટીકર પ્રિન્ટ કરી આપનાર નાગુંજી ઉર્ફે નાગેશ નામદેવભાઈ મોરે (ઉ.વ.42, રહે. વાપી), મોહન મધુસુદનગિરી (ઉ.વ.38, રહે. વાપી), રાજેશ ધીરુભાઈ કથીરિયા (ઉ.વ.32, રહે. વાપી), રણજીત રાધેશ્યામ પ્રજપતિ (રહે. સુરત), કિશોર શંભુભાઈ ચભાડીયા (ઉ.વ.24, રહે. સુરત) ને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ પાંચેય આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબી પોલીસે નકલી રેમડેસીવીર ઇન્જેક્શન પ્રકરણમાં મોરબી, સુરત, મુંબઈ, વાપી સહિતના શહેરોમાં અત્યાર સુધીમાં કુલ 18 આરોપીઓને ઝડપી લીધા છે. જેમાંથી ત્રણ આરોપીઓ કોરોના પોઝિટિવ આવતા આ ત્રણેયને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. બાકીના 10 આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે. આથી, રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી ઓકવતી હોય અને હજુ ત્રણ ટીમો તપાસ અર્થે હોવાથી આ નકલી રેમડેસીવીર પ્રકરણમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા કડાકા ભડાકા થવાની શકયતા છે.