સંપમાં કાદવ-કીચડ જામી ગયો: સફાઈના અભાવે ગંદા પાણીનું થાય છે વિતરણ: અસંખ્ય નાગરિકો પર તોળાતો પાણીજન્ય રોગચાળાનો ખતરો: મોરબી: નીંભર તંત્ર વિશે તો નાગરિકોએ ખૂબ સાંભળ્યું વાંચ્યું હશે. પણ નીંભરમાં નીંભર તંત્રને પણ સારું કહેવડાવે એવો ચોંકાવનારો કિસ્સો મોરબી જિલ્લામાં સામે આવી રહ્યો છે. નાગરિકો ઘરમાં રહેલા પાણીના ટાંકા વરસે દા'ડે એકવાર સાફ કરવાનું ચૂકતા નથી. ત્યારે ગાળા ગામે આવેલા અને અનેક ગામોને પીવાનું પાણી પૂરું પાડતો સંપ એક બે નહીં પુરા દસ વર્ષથી સાફ ન થયો હોવાનું બહાર આવ્યું છે. માળીયા હાઇવે પર આવેલા ગાળા ગામ નજીકનો પાણીનો સંપ છેલ્લા 10 વરસથી સાફ ન થયો હોવાની વરવી વાસ્તવિકતા ઉજાગર થઈ છે. કાદવ કીચડના થર જામી ગયાં હોવા છતાં તંત્રને આ સંપ સાફ કરવાનું યાદ નથી આવતું. જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગૂંગણ, કૃષ્ણનગર, બહાદુરગઢ, સોખડા સહિતના ગામોને આ સંપમાંથી પીવાના પાણીનું વિતરણ થાય છે. સ્થાનિક ગ્રામીણોના કહેવાનુસાર આ સંપ ખાતે કોઈ કર્મચારી ઉપસ્થિત હોતા નથી. પાણી પુરવઠા અધિકારીઓને વારંવારની રજુઆત બાદ પણ હકીકતની ગંભીરતા સમજવાનું સૌજન્ય દાખવાયું ન હોય એમ કોઈ આ બાબતની સ્થળ તપાસ માટે પણ ફરક્યું નથી. ગંભીર મહામારીની સ્થિતમાં આ સ્થિતિ ખૂબ ગંભીર ગણી શકાય. આવું કાદવ-કીચડયુક્ત પાણી પીવા તો ઠીક વાપરવા લાયક પણ રહ્યું નથી. ઉપરોક્ત સંપમાંથી પાણી મેળવતા ગામો પર પાણીજન્ય રોગચાળાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રવાહકો માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી આ સ્થિતિ છે. મહામારીની સ્થિતિમાં નપાણિયું તંત્ર પ્રાથમિક સુવિધાઓ દુરુસ્ત કરવામાં પણ જો આટલી બેદરકારી રાખતું હોય તો જનતાને હવે તો ઈશ્વર જ બચાવે. આ સંપની ત્વરિત સફાઈ થાય એવી અપીલ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે હવે જોવુ રહ્યું કે નીંભર તંત્ર ક્યારે જાગે છે.