એકલવાયુ જીવન જીવતા લોકો માટે ભોજન પાર્સલની વિશેષ વ્યવસ્થા મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે. સંસ્થા દ્વારા કોરોનાની મહામારીમા જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા અને વિવિધ હોસ્પીટલમા ફ્રુટ, લીંબુ શરબત, હલ્દી દુધ, પાણીની બોટલનુ વિતરણ, એમ્બ્યુલન્સ, શબવાહીનીની સેવા તેમજ ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિમીટર, સ્ટીમ મશીન, આયુર્વેદીક દવાઓનુ વિતરણ સહીતની સેવા પ્રદાન કરવામા આવેલ છે. આ સાથે શહેરની ઝુંપડપટ્ટીઓમા ભોજનનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મીની લોકડાઉનના પગલે ઝુંપડપટ્ટી વિસ્તારમા રહેતા લોકો તેમજ એકલવાયુ જીવન જીવતા લોકોની હાલત કફોડી બની છે. તેથી, મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શહેરની ઝુંપડપટ્ટીમા ભોજન-પ્રસાદ વિતરણ પણ શરૂ કરવામા આવ્યુ છે. તેમજ એકલવાયુ જીવન જીવતા લોકો માટે પણ પ્રસાદ વિતરણ શરૂ કરવામા આવેલ છે. ભોજન પ્રસાદ પાર્સલ મેળવવા ઈચ્છુકોએ જલારામ મંદિર ખાતે રૂબરૂ સંપર્ક કરી નામ તથા એડ્રેસ નોંધાવવાનુ રહેશે. સંસ્થાના આગેવાનો દ્વારા તેમના એડ્રેસ પર ભોજનનું પાર્સલ પહોંચાડવામા આવશે, તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ તેમજ સંસ્થાના આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયાએ યાદીમા જણાવ્યુ છે.