મોરબી: કોરોનાની સારવારમાં સહાયક તરીકે કાર્ય કરતી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું વિતરણ છેલ્લા એકાદ વર્ષથી મોરબી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા કરાઈ રહ્યું છે. આયુષ કચેરી ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા કોવિડ- 19 સામે રોગપ્રતિકારક શક્તિ વધારનારી વિવિધ ઔષધીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉકાળા વિતરણ, સંશમનીવટી, આર્સેનિક આલ્બમ સહિતની આયુર્વેદી તથા હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં દરરોજ આશરે 4000 જેટલા લોકો આ ઔષધિ વિતરણનો લાભ મેળવી રહ્યા છે. સરકારી સુચનાનુસાર તમામ સી.સી.સી. ખાતે ઉકાળા વિતરણ થઈ રહ્યું છે. આ ઉપરાંત કોરોનાથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય એ માટે ખાનપાન કેવું રાખવું જોઈએ તેનું માર્ગદર્શન પણ નાગરિકોને અપાઈ રહ્યું છે.