મોરબી : મોરબીના રાજમાર્ગો પર ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. મસમોટી અને એલ.ઈ.ડી. લાઈટો ધોમધખતા તાપમાં ધોળા દિવસે મોરબીના મોટા ભાગના વિસ્તારોમાં ચાલુ હોય છે. છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈપણ પગલાં લેવામાં આવતા નથી. મોરબીમાં પાડાપૂલ અને જિલ્લા સેવાસદન રોડ કે જ્યાંથી દિવસમાં અનેક વખત અધિકારીઓ પસાર થાય છે એ રાજમાર્ગો તેમજ રવાપર ચોકડી, લીલાપર કેનાલ રોડની તમામ લાઈટો, શુભાષ સોસાયટી, મહેન્દ્રપરા, જુના બસ સ્ટેન્ડ પાસે, બેંક ઓફ બરોડા પાસે, મચ્છી પીઠની પાછળની સોસાયટીઓ, રવાપર રોડ પરની તમામ સોસાયટીઓ, પંચાસર રોડ તેમજ પંચાસર રોડ અને અયોધ્યા પુરી રોડ પર જુના બસ સ્ટેન્ડથી માધાપરા સોસાયટી વચ્ચેના મેઈન રોડ, આલાપ રોડ પરની તેમજ રવાપર રોડ અને શનાળા રોડ વચ્ચેના હમણાં નવા થયેલ રોડ પરની સોસાયટીઓ, સબ જેલથી દરબારગઢ, મચ્છુ નદીના કાંઠે આવેલ રસ્તા સહિત અનેક જગ્યાઓએ ચોવીસ કલાક લાઈટો ચાલુ જ રહે છે. પરિણામે વીજળીનો બેસુમાર વ્યય થાય છે. આ અંગેનો અહેવાલ મોરબીના મોટાભાગના મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. જેને એક માસથી વધુ સમય વીતવા છતાં પણ પાલિકા તંત્રને જાણે એની કોઈ જ અસર ન થઈ હોય એમ હજુ પણ મોંઘી લાઈટો દિવસે પણ ઝળહળી રહી છે અને અમૂલ્ય ઉર્જાનો વ્યય થઈ રહ્યો છે. આવી અસહ્ય ગરમીમાં એલ.ઈ.ડી. લાઈટો સતત ચાલુ રહેવાથી ખરાબ થવાની પણ સંભાવના છે. માટે વહેલી તકે દિવસે ઝગમગતા દિવા બંધ થાય તેવી લોકમાંગ ઉઠી છે.