પ્રતાપગઢ અને કલાવડીમાં પવનચક્કીનું કામ બંધ કરાવવા ઉગ્ર માંગ વાંકાનેર : વાંકાનેર પંથકમાં પવનચક્કી કંપનીઓ દ્વારા પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા હોવાથી પ્રતાપગઢ અને કલાવડી ગામમાં ગ્રામજનોમાં ભયનું મોજું પ્રસર્યું છે અને સતાવાળાઓ દ્વારા તાકીદે પવનચક્કીનું કામ બંધ કરાવવા ગ્રામજનોએ ઉગ્ર માંગ ઉઠાવી છે. વાંકાનેર તાલુકાના પ્રતાપગઢના રેવન્યુ સર્વે નંબર ૪૪ અને ૬૮ પૈકી ૧ ફાળવવામાં આવેલ છે. આ જમીનમાં હાલે પવનચક્કી ઉભી કરવા માટે ફાઉન્ડેશનનું કામ ચાલે છે ત્યારે જેના બાંધકામ કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. મોરબી ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં આ બાબતે ગ્રામજનોએ તપાસ કરતા ખબર પડી કે આવા હેવી બ્લાસ્ટ કરવા અંગે કોઈ પરવાનગી પવનચક્કીની કંપની કે તેના બાંધકામ કરતા કોન્ટ્રાકટરને આપવામાં આવેલ નથી. તેમછતાં પવનચક્કીવાળા સરકારના અધિકારીઓના ડર વિના કામ કરી રહ્યા છે. આ પવનચક્કીની કંપનીઓની સામે પ્રતાપગઢ અને નવી ક્લાવડી ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ સરકારી તંત્ર હજી કોરોનાનું બહાનું ધરીને આંખ આડા કાન કરી રહ્યું છે. પ્રતાપગઢ ગામની સીમમાં અને નવી ક્લાવડી ગામતળની નજીક પવનચક્કી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેને હેવી બ્લાસ્ટિંગ કરવાની મજુરી ન હોવા છતાં પણ મોટા બોર કરીને મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્યાના ગામ લોકો અને ખેડૂતો દ્વારા કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. કલેકટરે દ્વારા પ્રાંત અધિકારીનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે પણ વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદાર વિનાનું છે એટલે કોણ ? કાર્યવાહી કરશે ? તેની રાહ જોવામાં આવી રહી છે ?સરકારની મજુરી વિના આવા મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવેલ છે તને લઈને ઇન્ડિયન એક્સ્પ્લોઝીવ એક્ટ અને એક્સ્પ્લોઝીવ રુલ્સ ૨૦૦૮ ના નિયમ નંબર ૫, ૬ અને ૯ બી મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવેલ છે તેમજ આજુબાજુના વિસ્તારમાં જે પણ નુકશાન કરેલ છે તેનું વળતર ચુકવવા માટે આવે તેવી ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના રોહિશાળામાં પવનચક્કી બાબતે રજૂઆત થતા તરત જ કામ અટકાવી દેવામાં આવ્યું છે જયારે વાંકાનેરમાં આવું કેમ નહી ? જેવા પ્રશ્નો લોકો વતી ઉઠાવવામાં આવી રહ્યા છે કે સરકારના અધિકારીઓ કોરોનાના નામે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે ? વાંકાનેરને પ્રાંત અધિકારી અને મામલતદાર ક્યારે મળશે ? જેથી લોકોના આવા પ્રશ્નો બાબતે સમયસર અને યોગ્ય નિકાલ કરવામાં આવે.