પરિણીતાને અમદાવાદથી તેડી લાવવા મામલે એક જ પરિવારના સભ્યો બાખડતા પરિવારનો મામલો પોલીસ મથકે પહોંચ્યો મોરબી : મોરબીના મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં પારિવારિક ડખ્ખામાં મારમારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિણીતાને અમદાવાદથી તેડી લાવવા મામલે એક જ પરિવારના સભ્યો અંદરો-અંદર બાખડતા પરિવારનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા રમેશભાઇ હનુભાઇ ચાવડા (ઉવ.૩૭) એ આરોપીઓ મનસુખભાઇ હનુભાઇ ચાવડા, કુસુમબેન હનુભાઇ ચાવડા, મનીષાબેન હનુભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૩ ના રોજ સવારના આશરે સાડા આઠેક વાગ્યે ફરીયાદી પોતાની પત્નિને અમદાવાદથી તેડી લાવતા આ બાબતે આરોપીઓને સારૂ ન લાગતા તે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઇપ વતી ફરીયાદીને પગમા તથા વાસામા મુંઢમાર ઇજાઓ પહોંચાડી હતી. સામાપક્ષે કુસુમબેન હનુભાઇ ચાવડા (ઉવ.૨૭ ધંધો.મજુરી રહે.ઇન્દિરાનગર, મહેન્દ્રનગર મોરબી-૨) એ આરોપી રમેશભાઇ હનુભાઇ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ સાહેદ ફરીયાદીના ભાઇ મનસુખ તેમજ બહેન મનીષા સાથે ઝપાઝપી કરી આ ત્રણેય ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.