મોરબી : મોરબીના પંચાસર ગામે વર્ષ ૨૦૧૯માં ધોળા દિવસે ફાયરીંગ કરી મર્ડર કરવાના કેસમાં ભાજપના આગેવાન સહિત છ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાલમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. મોરબી નજીક આવેલ પંચાસર ગામે તા.૧૯/૧૨/૧૯ ના રોજ બપોરે ફાયરીંગ થયું હતું. જેમાં સહદેવસિંહ તેજુભા ઝાલાને ગોળી વાગી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ચકચારી બનાવમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં જિલ્લા ભાજપ આગેવાન નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સામે ફરીયાદ નોંધાવી આરોપીઓ બંદૂકો સાથે ધસી આવીને હવામાં ફાયરિંગ કર્યા હતા અને બાદમાં આડેધડ ફાયરિંગ કરતા સહદેવસિંહ તેજુભા ઝાલા (ઉ.વ. ૪૮) નું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની રસિકબા ઝાલા અને પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેનો કેસ મોરબી અદાલતમાં ચાલી જતા નામદાર કોર્ટે હાલમાં નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા અને અરવિંદસિંહ નટુભા ઝાલાને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે. વકીલ પાસેથી મળી રહેલી માહિતી મુજબ ફરીયાદ પક્ષથી આપવામાં આવેલ જુબાની અને વૈજ્ઞાનિક પુરાવામાં તફાવત આવતા તે મુદ્દે બચાવ પક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમજ પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જોકે, આ ચકચારી બનાવમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે, નામદાર અદાલતના ચુકાદા સામે ઉપરની કોર્ટમાં અપીલ કરવામાં આવશે.