28 દિવસ લડ્યા બાદ કોરોના સામેનો જંગ હાર્યા મોરબી : મોરબી તાલુકા મહેન્દ્રનગરના લોકપ્રિય જનસેવક એવા અશ્વિનભાઈ બોપલીયા કોરોનાના કારણે અવસાન પામ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની કોરોનાની સારવાર હોસ્પિટલમાં થઈ રહી હતી. આજે બપોરે 11-30 વાગ્યે તેમનું મૃત્યુ થવાનું તબીબે જાહેર કર્યું હતું. તેમની છેલ્લા 28 દિવસથી વેન્ટિલેટર તેમજ ઇકમો ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. 59 વર્ષના અશ્વિનભાઈ બોપલીયાની તબિયત કોરોના તેમજ ડાયાબિટીસને કારણે ખરાબ થતા તેમને ૬ એપ્રિલના રોજ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસ ની સારવાર બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા તેમને વેન્ટિલેટર અને પછી ઈકમો ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરવામાં આવી રહેલ હતી. મહેન્દ્રનગરમાં જ્યારે કોરોનાએ કહેર વરસાવ્યો હતો ત્યારે તે લોકોની સેવા કરી રહ્યા હતા અને સેવા કાર્યો શરૂ કર્યા હતા. તે સમયમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોય શકે. સાથેસાથે તેમને ડાયાબીટીસ, સ્થૂળતા જેવી અન્ય તકલીફો પણ હતી. જેના કારણે તેમના પર કોવિડ-19ની અસર વધુ જોખમી થઈ ગઈ હતી. આથી, સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે પૂર્વ સરપંચ અશ્વિનભાઈ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમજ તાલુકા સ્તરે વિકાસના કાર્યોમાં તેમનો બહુમુલ્ય ફાળો રહેલો છે. મહેન્દ્રનગરની જનતાને અશ્વિનભાઈ બોપલીયા તેમના કામ અને સ્વભાવથી હરહંમેશ યાદ રાખશે.