મોરબી : કોરોના મહામારીના સેકન્ડ વેવમા મોરબી ખાતે પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલ બે કોરોના કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં 1184 કોરોના પેશન્ટ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી 860 દર્દી સાજા નરવા થઈ ઘરે પરત ફર્યા છે. મોરબી પાટીદાર સમાજ દ્વારા કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ગત તા.8 એપ્રિલના રોજ જોધપર મુકામે આવેલા પટેલ બોર્ડિંગ ખાતે ૩૦૦ બેડની સુવિધા સાથે પાટીદાર કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી શહેરમાં કન્યા છાત્રાલય ખાતે ૩૦૦ બેડ સાથેનું બીજું સેન્ટર પણ શરુ કરાયું હતું. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને સીરામીક એસોસિએશન દ્વારા શરુ કરાયેલા આ બંને સેન્ટરમાં પહેલા હોમ આઇસોલેશન અને બાદમાં ઓક્સિજન બેડની સુવિધા પણ શરુ કરવામાં આવી છે. કોરોના સેકન્ડ વેવમાં જેમાં જોધપર ખાતે ૭૭૪ અને છાત્રાલય ખાતે અત્યાર સુધીમાં ૪૧૦ એમ કુલ મળીને ૧૧૮૪ દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી યોગ્ય તબીબી સારવાર અને સતત દેખરેખ અને કાળજી બાદ ૩૦ તારીખ સુધીમાં ૮૬૦ દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. હાલમાં જોધપર ખાતે ૧૯૨ જેમાંથી ૩૩ દર્દીઓ ઓક્સિજન પર છે. જયારે કન્યા છાત્રાલય ખાતે ૧૩૨ જેમાંથી ૨૩ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. માત્ર 25 દિવસોના ટૂંકા ગાળામાં બંને કોરોના કેર સેન્ટરમાં 1184 જેટલા દર્દીઓએ લાભ લીધો જે પૈકી 830 દર્દીઓ સાજા થઈ સુખરૂપ ઘરે પહોંચ્યા હજુ બંને સેન્ટરમાં 321 જેટલા દર્દીઓ સારવાર હેઠળ એ પૈકી 55 જેટલા દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. બન્ને કોવિડ કેર સેન્ટરમાં મહેસાણા, ધ્રાંગધ્રા , જૂનાગઢ વગેરે વિસ્તારમાંથી દર્દીઓએ સારવારનો લાભ લીધો છે. અહીં જુદી જુદી પાળીમાં 73 જેટલા મેડિકલ અને પેરા મેડિકલ અને નર્સિંગ સ્ટાફ સતત ખડા પગે રહી દરેક દર્દીઓને સમયસર દવા મેડિકલ સ્ટાફ દ્વારા જ આપવામાં આવે છે. બંને સેન્ટરમાં કુલ મળી 76 જેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા છે જેના ઓક્સિજન માટેની વ્યવસ્થા માટે 20 વિસ વ્યક્તિની ટીમ સતત કાર્યરત હોય છે, 75 જેટલા વ્યક્તિઓ દર્દીઓ માટે નાસ્તા અને જમણવારની વ્યવસ્થા કરી રહ્યા છે, સવારે દરરોજ જુદા જુદા મેનુ મુજબનો નાસ્તો સવારે 9 વાગ્યે જુદું જુદું જ્યુસ, બપોરનું ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન બપોરે 3 વાગ્યે ચા, કોફી સાંજે સિંગ, દાળિયા તરબૂચ અન્ય ફ્રૂટ વગેરે દરરોજ જુદો જુદો નાસ્તો રાત્રે સ્વાદિષ્ટ ભોજન, દરેક પેશન્ટને એમના બેડ પર પહોંચાડવામાં આવે છે, આમ ઘરથી પણ ચડિયાતી સેવા પ્રેમપૂર્વક પૂરી પાડવામાં આવે છે. દરરોજ સવારે એસ.એસ.વાયના યોગ પ્રયાણામ કરાવવામાં આવે છે. ઉપરાંત રાત્રે દરરોજ ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન કીર્તન, ધૂન, જોક્સ, લોક સાહિત્ય દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે. 100 જેટલા સ્વયંસેવકો રજીસ્ટ્રેશન,ઓકિસીજન સિલિન્ડર, રાશન, શાકભાજી ફળો, નાસ્તાની વ્યવસ્થા માટે તેમજ દર્દીઓને મેડિકલ રિપોર્ટ માટે મોરબી સુધી લાવવા લઈ જવા માટે સતત કાર્યરત હોય છે, આવી અદ્યતન સુવિધા અને સગવડ વાળી સુવિધાના કારણે માત્ર 25 દિવસોમાં અનેક દર્દીઓ સાજા નરવા થયા છે અને ડિસ્ચાર્જ થઈને જતા દર્દીઓ કોવિડ સેન્ટરના આયોજકોને અંતરના આશીર્વાદ આપતા જણાવે છે કે આ સેન્ટરમાં ફાઈવસ્ટાર હોટેલ જેવી સુવિધા અને સારવારને લીધે જ અમેં કોરોનાને મહાત આપેલ છે. આ બંને સેન્ટરના ટ્રસ્ટીઓ, સંચાલકો તથા સ્વયંસેવકો સતત આ દર્દીઓની સેવામાં લાગેલા છે. અને ઝડપથી દર્દીઓ સાજા થઇ જાય તે માટે પ્રત્યનશીલ છે. આ મહામારીમાંથી જલ્દી મુક્ત થઈએ એવી માં ઉમિયાજી અને માં ખોડિયારને પ્રાર્થના કરવામાં આવી છે.