ત્રણ શખ્સો સામે મારામારી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધાયો મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવાન પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે મારમારી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા અને રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા અજયભાઈ જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.26) નામના યુવાને આરોપીઓ મહાવીરસિંહ છત્રસિંહ, જયદીપસિંહ ઝાલા અને વિપુલભાઈ (રહે ત્રણેય રફાળેશ્વર ગામ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.30 ના રોજ ફરિયાદીને પારસભાઈ ગિરધરભાઈ સાથે કોઈ બાબતે સામાન્ય બોપચાલી થઈ હતી. બાદમા ફરિયાદી તથા તેના કાકાનો દીકરો રીક્ષા લઈને રફાળેશ્વર ચોકડીથી રફાળેશ્વર ગામ તરફ જતા હતા. ત્યારે અગાઉની સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ત્રણેય આરોપીઓ રીક્ષા આંતરીને ફરિયાદીને રીક્ષામાંથી નીચે પછાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ છરી વડે હુમલો કરી જાતિ પ્રત્યે ફરિયાદીને અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.