મોરબી : આજના ગુજરાતને ઘડવામાં અનેક નામી-અનામી ગુજરાતીઓની જનશક્તિનું સામર્થ્ય ઝળક્યું છે. ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને યંગ ઇન્ડિયા ગ્રુપ તથા ગ્રુપના મેન્ટોર દેવેન રબારી તરફથી ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ગુજરાતની સંસ્કૃતિ અને ગરિમાની યાત્રા અતિતથી અનંત સુધી શાશ્વત છે. ૧લી મે, ૧૯૬૦ના દિવસે ગુજરાતીઓ તરીકે, ગુજરાતના ભાગ્યનું નિર્માણ કરવાની એક યાત્રાનો આપણે આરંભ કર્યો હતો. મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્મા, પૂજય રવિશંકર મહારાજ, ઇન્દુચાચા સહીત અગણિત એવા મહાપુરુષો અને મનિષિઓના આશીર્વાદ, અનેક સર્જકો-સાહત્યિકારોનું માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ – આ બધાની સફળ પરિપાટીએ આપણા ગુજરાતની સાડા પાંચ દાયકાની વિકાસયાત્રાની મંઝિલ આપણે પાર કરી છે. આજે એ સૌનું સ્મરણ કરવાનો, ઋણ સ્વીકાર સાથે અભિવાદન-અભિનંદન કરવાનો અવસર છે. પડકારો વચ્ચે પણ ગુજરાતને ઘડવામાં ગુજરાતીઓની જનશક્તિનું સામર્થ્ય ઝળકયું છે. પુરૂષાર્થમાં ઓટ નથી આવી એટલે જ પ્રગતિની ગતિશીલતા વેગવંતી બની છે. ગુજરાત માટે કોણે શું અને કેટલું કર્યું તેનાં લેખાં-જોખાં કરવાનો આ અવસર નથી. ગુજરાત ગૌરવ દિવસ તો પ્રસંગ છે. ગુજરાતની સિદ્ધિઓનું નવી પહેલરૂપ સીમાચિન્હોનું ગૌરવ કરવાનો. અહીં પાંચ વીશા સો નહીં પણ સવાસો કરે એવા બાહોશ વ્યાપારીઓ છે. આ એવો મુલક જ્યાં હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની. જ્યાં ખાવું-પીવું ને મોજ કરવી એ બાળપણથી જ દરેક વાર્તાનાં સુખદ અંત તરીકે જીવનમાં વણાયેલું હોય. સોનાની દ્વારિકાને ખભાતનાં ચોર્યાસી વાવટાઓ મારા ગુજરાતની હજારો વર્ષની સમૃધ્ધિ બતાવે છે. આવું છે આપણું ગુજરાત. ધડકતા રેહવું એ ગુજરાતની ફિતરત છે અને વિકાસ એ ગુજરાતની આદત છે!! મને ગર્વ છે કે હું ગુજરાતી છુ. આ શબ્દો સાથે ગુજરાત સ્થાપના દિવસની દેવેન રબારી યાદીમાં અંતરથી શુભકામનાઓ પાઠવે છે.