અગાઉ પોલીસ અફવા ફેલાવવા અંગે ગુન્હો નોંધતી હોય સુપ્રીમ કોર્ટની ફટકાર રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકે તમામ જિલ્લા પોલીસવડાને સાવધ કર્યા મોરબી : રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછત કે બેડ ન મળવા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર નાગરિકો વિરુદ્ધ રાજ્યસરકારના આદેશથી પોલીસ અફવા ફેલાવવા અંગે ગુન્હો નોંધી કાર્યવાહી કરતી હોય આ મામલે સુપ્રીમ કોર્ટ આકરી ફટકાર લગાવતા રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકે તાત્કાલિક તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાને આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ નહીં નોંધવા તાકીદ કરી છે. કોરોના મહામારીમાં લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હોવાથી નાગરિકો સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવવા ડોક્ટરની તંગી, ઓક્સિજનની અછત અને બેડ ન મળવા અંગે ભડાશ કાઢતા હોય પોલીસ આવા કિસ્સામાં નાગરિકો વિરુદ્ધ અફવા ફેલાવવા અંગે ગુન્હો નોંધતી હોવાથી આજે સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં રાજ્ય સરકાર અને પોલીસને આવા કિસ્સામાં અફવા ફેલાવવા અંગે કોઈ ગુન્હો ન નોંધવા તાકીદ કરી હતી. વધુમાં નામદાર સુપ્રિમકોર્ટ દ્વારા પોલીસ તંત્રને તાકીદ કરીને જણાવાયું હતું કે જો આમ છતાં પોલીસ દ્વારા આવા કિસ્સામાં ગુન્હો નોંધાવમાં આવશે તો કન્ટેમ્પટ ઓફ કોર્ટ ગણવામા આવશે તેવું સ્પષ્ટ પણે જણાવતા રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમારે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસવડા રેન્જ વડાને આવા કિસ્સામાં ગુન્હો નહિ નોંધવા લેખિત આદેશ કરતા સુપ્રીમ કોર્ટના આદેશથી નાગરિકોને ખરા અર્થમાં લોકશાહીનો અહેસાસ થવા પામ્યો છે.