હળવદ : હળવદ તાલુકાના ગોલસણ ગામની સીમમાં ખેતમજૂરી કરતા યુવાનને ઇયળ મારવાની દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાથમિક તપાસમાં પત્ની સાથે માથાકૂટને કારણે પતિએ ઇયળ મારવાની દવા પી લેતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ગોલસણ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમની બાજુમાં રહેતા અરવિંદભાઇ જેસીંગભાઇ સુરેલા (ઉ.વ.૩૫)ને પોતાની વાડીમાં પત્નિ સાથે તલમાં દવા છાંટવા બાબતે માથાકુટ થતા પોતે પોતાની જાતે ઇયળ મારવાની દવા ગઇ તા.૧૪ એપ્રિલના રોજ પી જતા પ્રથમ સારવાર હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખસેડયા હતા. બાદમાં ત્યાંથી પણ વધું સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તા.૧૫ ના રોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાથમિક તપાસ બાદ વધુ તપાસ માટે ગઈકાલે અમદાવાદથી કાગળિયા આવતા હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.