સમયસર પાંજરાની વ્યવસ્થા ન થતાં ગ્રામજનો અને ફોરેસ્ટ ટીમની હાજરીમાં દીપડો અંધારામાં ગાયબ: ટંકારા: ટંકારા વિસ્તારમાં દેખાયેલા દીપડાને પકડવા માટે જંગલ ખાતાના કર્મચારીઓની અથાક મહેનત છતાં સમયસર પાંજરું ન મળતા અને અંધારું થઈ ગયું હોવા છતાં દીપડાની ચાલુ રખાયેલી શોધખોળ ઉપર વરસાદી છાંટાએ પાણી ફેરવી દીધું હતું. જો કે હજુ દીપડો ફોરેસ્ટ વિભાગની પકડથી દૂર હોય ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ટંકારા વિસ્તારમાં કેનાલની નજીક દીપડો બેઠો હોવાના વાવડ મળતા જ ફોરેસ્ટની ટીમ મેદાનમાં આવી હતી. દીપડાનું પગેરું મળતા જ આરએફઓની ટીમે દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી. રામપરની વિડીમાંથી દીપડો અહીં આવી ચડ્યો હોવો જોઈએ એવું જણાવતા આરએફઓ કુંડારીયાએ જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં મારણ અને પાંજરું મૂકીને દીપડાને પકડવાના પ્રયાસો માટે ટીમ લાગેલી છે. કેનાલના નાલામાં જોવા મળેલા દીપડાને ઝડપી પાડવા પાંજરું જરૂરી હતું. જો કે, ટંકારામાં પાંજરું ન હોય રાજકોટથી તેની વ્યવસ્થા કરાઈ હતી. અલબત્ત પાંજરું આવે એ પૂર્વે જ દીપડો સ્થળ પરથી ફોરેસ્ટકર્મીઓ તથા ગ્રામજનોની નજર સામે જ પલાયન કરી ગયો હતો. હાલમાં ફોરેસ્ટના 5 કર્મચારીઓની ટીમ આરએફઓ સાથે તેના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધ કલોક દીપડાનું પગેરું શોધવામાં કાર્યરત હોય આસપાસના વિસ્તારના લોકોને જાગૃત રહેવા જણાવાયું છે અને જો કોઈને દીપડો જોવા મળે તુરંત ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવા અપીલ કરાઈ છે.