ટંકારા : ટંકારા તાલુકા ખાતે કોવિડ કેર સેન્ટર તેમજ ઓકિસજનના બોટલ અને સરકારી હોસ્પીટલમાં એમ.ડી. ડોકટરની જગ્યા ખાલી પડેલ તે ભરવા બાબતે સામાજિક એકતા જાગૃતિ મિશનના મોરબી જિલ્લા પ્રભારી હિતેષ ગેડીયા અને મોરબી જિલ્લા સહપ્રભારી હમીરભાઈ ટોળીયા દ્વારા ટંકારા મામલતદાર મારફતે મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં કોરોનાની મહામારીની બીજી લહેર ચાલી રહી છે. જે અત્યંત ઘાતક હોય અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી અનેક લોકોના ભોગ લીધા હોય. જેને તાકીદે નાથવા પ્રાથમિક ધોરણે યોગ્ય વ્યવસ્થા જ સાચું હથિયાર હોય. ટંકારા તાલુકાના 42 જેટલા ગામડા હોય અને દરેક ગામોમાં કોરોના નામના વિકરાળ રાક્ષસે પગપેસારો કરી અનેક માનવ જીંદગીને ભરખી ગયો હોય ત્યારે ટંકારા તાલુકામાં સરકારી હોસ્પીટલમાં ઉપચારના કોઈ સાધનો કે એમ.ડી. ડોકટર ન હોવાથી ગામડાના પિડીત દર્દિઓને સારવાર માટે મોરબી, રાજકોટ કે પછી જામનગર લઈ જવા માટે ફરજ પડે છે. સામાન્ય વ્યકિતઓ જે આર્થિક રીતે સાવ નબળા હોય અને તેને આ ઈલાજ માટે જો મોરબી, રાજકોટ કે પછી જામનગર જવાનું થતું હોય તો તેના પરિવાર ઉપર કપરી મુસીબતો આવી પડે છે. તો ટંકારા તાલુકામાં એક કોવિડ સેન્ટર શરુ કરવા, ઓકિસજન બોટલની સુવીધા આપવા તેમજ સરકારી હોસ્પીટલમાં એમ.ડી. ડોકટરની ઘણા દિવસોથી જગ્યા ખાલી છે. તે તત્કાલીન ધોરણે ભરવા અપીલ કરવામાં આવી છે.