લોકડાઉન અંગે અસમંજસમાં રહી દુકાનો ખોલતા અમુક વેપારીઓને પોલીસે સમજાવટથી શટર બંધ કરાવ્યા મોરબી: કોરોના સંક્રમણની ચેઇન તોડવાના ભાગરૂપે આજે તારીખ 28ને બુધવારથી 5 મે સુધી રાજ્ય સરકારે મીની લોકડાઉનની જાહેરાત ગઈકાલે કરી હતી. જો કે કઈ-કઈ દુકાનો ખોલી શકાશે એ અંગે ઘણા વેપારીઓમાં દ્વિધા હોય આજે ઉઘડતી બજારે અમુક દુકાનદારોએ શટર ઉચકાવ્યા હતા. અલબત્ત પોલીસે સાચી સમજણ આપી આવા દુકાનદારોની દુકાન બંધ કરાવી હતી. આજે બુધવારે ઉઘડતી બજારે મોરબીના મોટાભાગની દુકાનો ખુલ્લી જ ન હતી. જો કે અમુક ધંધાર્થીઓમાં પોતાનો વ્યવસાય જીવન-જરૂરી ચીજ-વસ્તુઓની યાદીમાં આવે છે કે કેમ એ અંગે દ્વિધા હોવાથી એવા થોડા વેપારીઓએ પોતાની દુકાનો ખોલી હતી. પોલીસે આવા દુકાનદારોને પ્રેમથી સાચી સમજ આપી તેઓની દુકાનો બંધ કરાવી હતી. ચા-પાનની દુકાનો, રેંકડીઓ સહિત અન્ય તમામ ધંધાર્થીઓએ પોતાની દુકાનો આજે પ્રથમ દિવસે બંધ રાખી હતી. અલબત્ત કરીયાણાની દુકાનો, શાકભાજી, ફ્રુટ, મેડિકલ સહિતની આવશ્યક ચીજ વસ્તુ અને સેવાઓ પૂર્વવત ચાલુ જ છે. મોરબી એ ડિવિઝન પી.આઈ. સોનારા સહીતનો સ્ટાફે શહેરના દરેક વિસ્તારમાં ફરી લોકોને બંધ પાળવા માટે સમજાવ્યા હતા. તેમજ આવશ્યક ચીજ-વસ્તુ સિવાયની દુકાનો ખુલ્લી હોય તો તે બંધ કરાવી, દુકાનદાર સામે દંડનીય કાર્યવાહી કરી હતી. અને મીની લોકડાઉનના નિયમોનો અમલ કરી મોરબીવાસીઓ પોલીસને સાથ-સહકાર આપે તેવી અપીલ કરી છે.