મોરબી-માળીયા વિસ્તારમાં ત્રણ ત્રણ વખત ચૂંટાયેલા ગોકળભાઈ કવીટ ઇન્ડિયા મુવમેન્ટથી આઝાદી આંદોલનમાં જોડાયેલ મોરબી : રાજ્યના સૌથી જૈફ વયના પૂર્વ ધારાસભ્ય અને મોરબીના ગાંધી ગણાતા ગોકળભાઈ પરમારે આજે 100 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા હતા. તા. 06-01-1922ના રોજ મોરબીમાં જન્મેલા ગોકળદાસ ડોસાભાઇ પરમાર એટલે કે ગોકળબાપાનું શતકના વર્ષમાં આજે તા. ૨૮-૪-૨૦૨૧ ના રોજ અવસાન થયુ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારોને જેમણે જીવનમાં ઉતારનાર ગોકળદાસભાઈએ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ૧૯૪૨માં ગાંધીજીએ ક્વીટ ઇન્ડિયા, ભારત છોડોનું એલાન કર્યું ત્યારે અભ્યાસ છોડીને મોરબી વિસ્તારમાં સમાજસેવાનું કાર્યક્ષેત્ર બનાવી આજીવન ગાંધી વિચારધારા જીવનમાં ઉતારી જીવમ જીવ્યા હતા. ગોકળબાપા સતવારા જ્ઞાતિના મોભી અને ગુજરાતના જાહેર જીવનના આદર્શ સમાન છે, મોરબી માળીયા વિસ્તારના ત્રણ ત્રણ વખત ધારાસભ્ય બનેલ, પૂર્વ ધારાસભ્ય તેવા ગોકળબાપાએ સતવારાજ્ઞાતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપેલ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેન્કના ડિરેકટર તરીકે અને ગુજરાત રાજ્ય માર્કેટિંગ સોસાયટીના ડિરેક્ટર તરીકે તેઓએ વર્ષો સુધી સેવા આપી હતી. દરમિયાન મોરબીના પૂર્વ ધારાસભ્ય અને જીવન પર્યંત ખાદી ગ્રામ ઉધ્યોગ અને રચનાત્મક પ્રવૃતિઓને વરેલા રહી નખશીખ ગાંધી મૂલ્યોના ઉપાસક રહેલા ગોકળભાઈ પરમારના જૈફ વયે નિધન અન્વયે સદગતને અંજલિ આપતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે ગોકળભાઈ જેવા એક આદર્શ નેતૃત્વની ઉણપ મોરબીને ખૂબ સાલસે તેમની રચનાત્મક પ્રવૃતિઓ તેમજ ખાદી અને ગ્રામ ઉધ્યોગ દ્વારા અનેક લોકોને રોજગારી આપતા રહેવાની તેમની પ્રવૃતિમાં તેમના જવાથી ઉણપ આવશે. જિદગી પર્યંત સાદગી અને પ્રમાણિક્તાથી તેમણે જાહેર જીવન નિષ્કલંક રહીને શોભાવ્યું હતું. શિક્ષણ અને ખાદી પ્રવૃતિએ એમનો જીવન મંત્ર રહ્યો હતો. આવા સ્વ.ગોકળભાઈના દિવ્ય આત્માને કોટિ કોટિ વંદન કરી તેમના પરિવાર પરત્વે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ દિલાસો પાઠવ્યો છે.