બે વર્ષનો રાહુલ અને બાર વર્ષનો અર્જુન રમતા-રમતા પાણીમાં ડૂબી ગયા મોરબી : મોરબી તાલુકાના લાલપર ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જતા બે ભાઈઓના મૃત્યુ થયા છે. આ ઘટનામાં બે વર્ષનો રાહુલ અને બાર વર્ષનો અર્જુન રમતા-રમતા પાણીમાં ડૂબી ગયા હતા. મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામના વતની હાલ લાલપર ગામમાં નર્મદા કેનાલ સામે ઝેડ વીટ્રીફાઇડ કારખાનામાં રહી કામ કરતા કિરીટભાઇ શકરાજી મુથલીયાના પુત્રો 12 વર્ષીય અર્જુન અને 2 વર્ષીય રાહુલ ગત તા. 25ના રોજ નર્મદા કેનાલ પાસે રમતા હતા. તે વખતે રમતા-રમતા બન્ને નર્મદા કેનાલમાં વ્હેતા પાણીમાં ડુબી ગયા હતા. આથી બંનેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. એક પરિવારના બબ્બે બાળકના મોતથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું છવાયું છે.