ગઈકાલે સાંજે 5 વાગ્યે આવેલી એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીનો છેક આજે સવારે વારો આવ્યો! સવારથી આવેલી ત્રણ એમ્બ્યુલન્સનો હજુ સુધી વારો ન આવ્યો મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં હજુ પણ કોવિડની પરિસ્થિતિ કાબુ બહાર છે. જેમાં દર્દીઓને સારવાર માટે લઈને આવતી એમ્બ્યુલન્સની સતત લાઈનો લાગે છે. એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓનો સારવાર અર્થે છેક 12 કલાકે વારો આવતા અંધાધૂંધી સર્જાઈ છે. જ્યારે સિવિલમાં બેડ ન હોવાથી વેઇટિંગને કારણે કલાકો સુધી એમ્બ્યુલન્સ રોકાઈ જતી હોવાથી અન્ય ઇમર્જન્સી દર્દીઓ રામભરોસે મુકાઈ જાય છે. મોરબી સિવિલમાં બેડના અભાવે સતત વેઇટિંગ આવી રહ્યું છે અને કલાકો સુધી દર્દીઓને સારવાર માટે તરફડીયા મારવા પડે છે. જેમાં ગઈકાલે સાંજે એક એમ્બ્યુલન્સ દર્દીને સિવિલમાં દાખલ કરવા લાવી હતી. પણ બેડ ન હોવાથી વારો આવતા દર્દીના નાકે દમ આવી ગયો હતો. જેમાં એક-બે કલાક નહિ પણ બાર-પંદર કલાકે આ એમ્બ્યુલન્સમાં લાવેલા દર્દીનો વારો આવ્યો હતો. એટલે આ દર્દી ગઈકાલ સાંજથી આજે સવાર સુધી એમ્બ્યુલન્સમાં જ રહ્યો હતો. આટલું ઓછું હોય તેમ આજે સવારે 8 વાગ્યાની આસપાસ મોરબી સિટીની ત્રણ એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને સિવિલમાં પહોંચી હતી. પણ આ એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓનો હજુ સુધી વારો ન આવતા તેમની કફોડી હાલત સર્જાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં બેડના અભાવે દર્દીઓની નાજુક પરિસ્થિતિ છે. કલાકો સુધી વેઇટિંગને કારણે એમ્બ્યુલન્સ પણ રોકાઈ જાય છે. કારણ કે, તેમાં દર્દીઓની ઓકિસજન સારવાર ચાલુ હોય છે. દર્દીઓના વારો આવે તો જ એમ્બ્યુલન્સ ખાલી થાય અને બીજા દર્દીને લેવા જાય તેવી કપરી પરિસ્થિતિ છે. સિવિલમાં એમ્બ્યુલન્સ રોકાઈ જતી હોય એવા સમયે ઇમરજન્સી દર્દીઓનો કોલ આવે તો ત્યાં પહોંચવામાં વિલંબ થાય છે. આથી, ઇમર્જન્સી દર્દીઓની હાલત કફોડી થઈ જાય છે.