ચંદન, કપૂર, નીલગીરી સહિતનો આયુર્વેદિક ધૂપ સમગ્ર વિસ્તારમાં ફેરવાયો વાંકાનેર : વાંકાનેરનાં પ્લેહાઉસ સિનેમા પાસે આવેલ આંકળા વાળા હનુમાન મંદિર ખાતે અનેકવિધ પ્રકારની આયુર્વેદિક ઔષધીનો ધૂપ કરી, આરતી કરી હનુમાન જયંતિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતીના અવસરે સેવાભાવિ યુવાનો દ્વારા તજજ્ઞોનાં માર્ગદર્શન હેઠળ ચંદન, કપૂર, નીલગીરી, લીમડો સહિત અલગ-અલગ 72 પ્રકારની આયુર્વેદિક ઔષધી અને કાષ્ઠનું મિશ્રણ કરી સાત જેટલા યજ્ઞ કુંડ તૈયાર કરવામાં આવ્યાં હતાં. વર્તમાન કોરોના મહામારી અનુલક્ષીને વાતાવરણ શુદ્ધિ થાય અને સમગ્ર વિસ્તારમાં અને આસપાસનાં મુખ્ય માર્ગો પર આ હવન કુંડ ફેરવવામાં આવ્યાં હતાં. પ્રથમ દાદાની સોશ્યલ ડિસ્ટન્સ સાથે આરતી કરાઈ હતી અને ત્યારબાદ આ ઔષધીસભર યજ્ઞ કુંડ પ્રજ્વલિત કરી મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યા હતાં. જેની મહેક ચોમેર પ્રસરી ઉઠતાં શહેરીજનો એ પણ પવિત્ર વાતાવરણની અનુભૂતિ કરી હતી. વર્ષો જુના આંકળાવાળા હનુમાન મંદિર ખાતે ડાયાબીટીઝ અને પગનાં દુઃખાવા મટી જવાની પણ લોક વાયકા રહેલી છે, આજના દિવસે હનુમાન જયંતિની આ વિશિષ્ઠ ઉજવણી માટે આ વિસ્તારનાં તમામ સેવાભાવી ઉત્સાહી યુવાનોએ અથાગ જહેમત ઉઠાવી હતી.