દર્દીઓ ઓક્સિજન માટે વલખા મારતા હોય અને કાળઝાળ ગરમીમાં વૃક્ષોના છાંયડામાં દર્દીઓના પરિવારજનો રાહત મેળવતા હોય ત્યારે વીજતંત્રએ વૃક્ષોની ડાળીઓ કાપી નાખતા ઉગ્ર આક્રોશ મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવિડની ગંભીર પરિસ્થિતિ વચ્ચે દર્દીઓ ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે. આ દર્દીઓના પરિવારજનો માટે સિવિલમાં બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી પરિવારજનો કાળઝાળ ગરમીમાં વૃક્ષોના છાંયડે બેસીને રાહત મેળવતા હોય ત્યારે વિજતંત્રએ ઘોર બેદરકારી દાખવીને સિવિલમાં વૃક્ષોની ડાળીઓ આડેધડ કાપી નાખતા દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ અને તેમના પરિવારજનોની કપરી હાલત છે. દર્દીઓને સિવિલમાં સારવાર અર્થ લઈ આવતા તેમના પરિવારજનો હોસ્પિટલના કંપાઉન્ડમાં બેસીને ઉચાટ મને સ્વજન જલ્દી સાજા થાય તે માટે રાહ જોતા હોય છે. જો કે દર્દીઓના પરિવારજનો માટે સિવિલમાં બીજી કોઈ વ્યવસ્થા નથી, વચ્ચે મંડપ હતો પણ હાલ કોઈ સુવિધા નથી. એટલે દર્દીઓના પરિવારજનો હાલ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે સિવિલમાં આવેલ વૃક્ષોના છાંયડા નીચે બેસીને દિવસ પસાર કરતા હોય છે અને પોતાના સિવિલ હોસ્પિટલમાં દાખલ સ્વજન ઝડપથી સાજા થાય તેની રાહ જોતા હોય છે. આવી કપરી સ્થિતિ વચ્ચે પીજીવીસીએમ તંત્રને જાણે કબુદ્ધિ સૂઝી હોય તેમ સિવિલમાં આવેલા વૃક્ષોની ડાળખીઓ કાપી નાખી હતી. વીજ તંત્રએ ઘોર બેદરકારી દાખવીને વૃક્ષોની ડાળખીઓ આડેધડ કાપી નાખતા દર્દીઓના પરિવારજનોનો કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટેનો છાંયડો છીનવાયો છે. આથી, દર્દીઓના પરિવારજનોમાં વિજતંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રિમોન્સૂનની કામગીરીની આડમાં વિજતંત્રએ સંવેદનહીન કૃત્ય આચરતા દર્દીઓના પરિવારજનો રોષે ભરાયા હતા. એકબાજુ દર્દીઓને ઓકિસજનની ખૂબ જ જરૂરત રહે છે ત્યારે વૃક્ષો હોવા ખૂબ જરૂરી છે અને દર્દીઓના પરિવારજનો માટે પણ આ શુદ્ધ ઓક્સિજન સમાન વૃક્ષો હતા. દર્દીઓ અંદર દાખલ હોવાથી સાવચેતી માટે અંદર જવા દેતા ન હોવાથી પરિવારજનો બહાર વૃક્ષના છાંયડે બેસે છે. ત્યારે વધુ વૃક્ષો ઉગાડવાની જગ્યાએ એ હયાત વૃક્ષ છે તેની ડાળીઓ કાપીને તંત્રએ દર્દીઓના પરિવારજનોને નોંધારા મૂકી દીધા હોવાની દર્દીઓના પરિવારજનોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.