રેવન્યુ વકીલ મંડળે રજુઆત કરતા સબ રજીસ્ટારનો ઉડાવ જવાબ મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવને કારણે આજે અરજદાર, વકીલોને સવારથી સાંજ સુધી હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું અને આ મામલે સબ રજીસ્ટારને રજુઆત કરતા મારો ટાઈમ વેસ્ટ ન કરો તેવો વકીલોને ઉડાઉ જવાબ આપતા આશ્ચર્ય સર્જાયું છે. મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં તા.16ના રોજ એક કોમ્પ્યુટર ઓપરેટર કોરોનાગ્રસ્ત થતા તે દિવસે પુરતા ઓપરેટરો ન હોય દસ્તાવેજી કામગીરી સબ રજીસ્ટ્રાર, મોરબીની સૂચનાથી કામગીરી બંધ રાખવામાં આવી હતી અને રેવન્યુ વકીલ મંડળ તથા રેવન્યુ પ્રેક્ટિશનરોએ પુરતા કોમ્પ્યુટર ઓપરેટરો ન હોવાને લીધે ભીડ થવાની દહેશતને લીધે સંક્રમણન વધે તે માટે તા. 19/04 થી તા. 23/04 સુધી કામગીરીથી રીતે અલિપ્ત રહેવાનું સર્વાનુમતે નક્કી કરેલ હતું. બાદમાં આજે તા. 26/04 ના રોજ દસ્તાવેજ ઓફીસ ચાલુ થયેલ. પરંતુ ફરી એક વખત પૂરતા ઓપરેટરો ન હોય દસ્તાવેજી કામગીરી શરૂ થઈ શકેલ ન હતી. આથી આજે વકીલો અને દૂર-દૂરથી આવેલ લોકોને સવારથી સાંજ સુધી રાહ જોયા બાદ દસ્તાવેજ કર્યા વગર પરત ફરવું પડયું હતું. જેને લીધે મોટી ઉંમરના સહિતના લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો અને કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી આવેલ બહેનોને પણ હેરાન થવું પડ્યું હતું. બીજી તરફ આજે દસ્તાવેજી કામગીરી ચાલુ થાય તે માટે રેવન્યુ વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ ગુજરાત ઇન્ફોટેક લિમિટેડના હોદ્દેદારોને આ બાબતે રજૂઆત કરેલ હતી. પરંતુ તેઓનાં ફોન રીસીવ કર્યા ન હતા. અને સબ રજિસ્ટ્રારનાં ફોનમાં ફોન કરતા તેઓએ કહ્યું હતું કે મારી પાસે સમય નથી મારો ટાઈમ વેસ્ટ ન કરો એમ કહીને ફોન કાપી નાખ્યો હતો. આમ ગુજરાત ઇન્ફોટેક લિમિટેડ પૂરતા ઓપરેટરો પૂરા પાડી ન શકવાને લીધે દસ્તાવેજની કામગીરી શરૂ થઈ શકે ન હોય લોકોના આર્થિક વ્યવહારો અટકી પડયા હતા અને લોન લીધેલ હોય તેના દસ્તાવેજ - મોર્ગેજ રજીસ્ટ્રેશન ન થતા કોરોના કાળમાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.