મોરબી : મોરબી અને રાજકોટ જિલ્લામાં સહકારક્ષેત્રે આદરપૂર્વકનું સ્થાન ધરાવતા ટંકારાના લખધીરગઢ ગામના વતની વાઘજીભાઈ બોડાના જૈફ વયે નિધનને પગલે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ સદગત વાઘજીભાઈને આદરાંજલી પાઠવી છે. ટંકારાના લખધીરગઢ જેવા પ્રગતિશીલ ગામે ખેડૂત પરિવારમાં જન્મીને વાધજીભાઇ બોડા તત્કાલિન સહકારી આગેવાન વલ્લભભાઇ પટેલની આંગળી જાલીને સહકારી ક્ષેત્રે પ્રવેશ કરેલો જે તેમને જીવન પર્યંત જાળવી રાખેલો, ત્યારબાદ સ્વ. વિઠલભાઈ રાદડીયા સાથે પણ તેમણે સહકારી ક્ષેત્રે ખૂબ યોગદાન આપ્યું હતું. વાધજીભાઇ મોરબી પંથકના જાણીતા ખેડૂત આગેવાન હોવા ઉપરાંત તેમની સેવાઓ ટંકારા પાંજરાપોળ, ડેમી સિંચાઇ યોજના સહિત અનેક ક્ષેત્રે તેમણે જે સેવા આપેલી તે યાદગાર બની રહેશે. વાઘજીભાઈ બોડા હંમેશા ખેડૂત ખેતી, ગામડું અને સહકારી પ્રવૃતિ માટે સતત કાર્યરત રહેતા હતા. ખેડૂતોને થતાં અન્યાય સામે વખતો વખત આક્રમક્તાથી લડત આપવા પણ તેઓ પાછીપાની કરતાં નહીં, તેમણે સહકારી ક્ષેત્રે લખધીરગઢ સહકારી મંડળીથી માંડીને મોરબી તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક, ગુજકોમાસોલ અને નાફેડ જેવી ટોચની સહકારી સંસ્થામાં તેમણે સેવાઓ આપેલી હતી. મોરબી પંથકમાં મગનભાઇ વડાવીયા જેવા સનિષ્ઠ સહકારી આગેવાન અને સાંસદ મોહનભાઇ કુંડારિયા જેવા નેતાને સહકારી ક્ષેત્ર સાથે સમન્વય સાધી મોરબી પંથકનું વધુ કલ્યાણ થાય તે માટે હંમેશા ખંભે ખંભા મિલાવી કાર્યરત રહેતા હતા. પોતાના ગામ લખધીરગઢની સહકારી મંડળીના વર્ષો સુધી તેઓ પ્રમુખ હતા. તેમણે લખધીરગઢના યુવા અગ્રણી જગદીશભાઈ પનારાને પોતાના ગામની સહકારી મંડળીના પ્રમુખ તરીકે સુકાન સોંપીને તેમણે યુવાનોને સહકારી ક્ષેત્રે આગળ આવવા પ્રેરણા આપી હતી. આવા સહકારી ક્ષેત્રના આગેવાનની ખોટ મોરબી પંથકને ખૂબ સાલસે. તેમના જૈફ વયે થયેલા દેહાંત અન્વયે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તેમને આદરભારી અંજલિ આપીને તેમના પરિવાર પરત્વે સંવેદના વ્યક્ત કરી છે.